JUNAGADHMENDARDA

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

જૂનાગઢ, તા.૨૪ જુલાઈ, ૨૦૨૪ (બુધવાર) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધર વરસાદના પગલે જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના મેંદરડા તાલુકાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમા નાગરિકો દ્વારા રજૂ કરાવામા આવેલ ફરિયાદો-પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓને પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના આપી હતી.

ત્યાર બાદ જૂનાગઢ જિલ્લામાં થયેલા એકદમ વધુ વરસાદથી પ્રભાવિત ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને ખેતી પાકમાં તેમજ માર્ગો તથા કાચા મકાન ધરાવતા પરિવારોની મુશ્કેલી થઈ હોય તેનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટરશ્રીએ મેંદરડા તાલુકાના નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરો તેમજ ઝીંઝુડા, દાત્રાણા અને ચીરોડા ગામની મુલાકાત લીધી હતી. ખેતરોમાં થયેલા ધોવાણ, પાણીના તીવ્ર પ્રવાહને લીધે માર્ગોને થયેલી નુકશાની, બંધ વીજ ફીડરોની પણ વિગતો મેળવી આ અંગે ઘટતું થાય તે માટે ગ્રામજનોને હૈયાધારણા આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ દાત્રાણા ગામ ખાતે આંગણવાડીની મુલાકાત દરમિયાન બાળકો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને અપાતા પોષણયુક્ત આહારની ચકાસણી કરી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કર્મચારીઓને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ. ગામમાં પાણી ભરાય તેવા ખૂલ્લા સ્થળો પર જરુરી દવા છંટકાવ કરી વાહક જન્ય રોગ ન ફેલાય તે માટે અને ચાંદીપુરા વાયરસ અંગે તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યુ હતુ, સાથે દવાઓનો જથ્થો અને સાફ-સફાઇની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, માણાવદર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, મેંદરડા પ્રાંત અધિકારી હિરલ ભાલાળા તથા સંબંધીત અધિકારીશ્રીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારે વરસાદ ના પગલે વિસ્તારના સંબંધિત અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે જરૂરિયાત મુજબ કામગીરી કરવા અંગે સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!