
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે 29 જુલાઈનાં રોજથી મોન્સૂન ફેસ્ટિવલ(મેઘમલ્હાર પર્વની) શરૂઆત થવા જઈ રહી છે.સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વનાં ઉદ્ઘાટનમાં પ્રથમ વખત જ રાજ્યનાં મુખ્યમંત્રી પધારી રહ્યા છે.ત્યારે સાપુતારા ખાતેનાં મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો થવાની સંભાવના જોવા મળી રહી છે.વધુમાં એક મહિનો ચાલનાર મોન્સૂન ફેસ્ટિવલમાં વાહનની સંખ્યામાં પણ ધરખમ વધારો થતો હોય છે.ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન થાય અને અકસ્માત ને ટાળી શકાય તે હેતુથી ગતરોજ ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયાની ટીમ તથા ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસનાં સંયુક્ત ઉપક્રમે સાપુતારા-શામગહાન ઘાટમાર્ગમાં સૂચક બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અકસ્માતની ઘટના ન બને તે માટે સાપુતારાથી શામગહાન સુધીના 10 કિલોમીટરનાં ઘાટમાર્ગમાં ભયજનક વળાંક તથા અકસ્માત થાય તેવા સ્પોર્ટ નક્કી કરી દિશા સૂચક સાઈન બોર્ડ તથા ટ્રાફિક નિયમના બેનરો પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા હતા.સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાની ટીમ દ્વારા મોડી સાંજ સુધી આ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.આમ સાપુતારા પોલીસ તથા ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને અકસ્માતને ટાળવા માટે એક નવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેઓની કામગીરીને પ્રવાસીઓ તથા વાહનચાલકોએ બિરદાવી હતી.તો બીજી તરફ આ ઘાટમાર્ગ હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નવસારીમાં સમાવેશ થાય છે.પરંતુ ડાંગ જિલ્લા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ કામગીરી કરવાની જગ્યાએ નિંદ્રાધીન જોવા મળી રહ્યો છે.29મી જુલાઈએ રાજ્યનાં મુખ્યમંત્રી સાપુતારા ખાતે પધારી રહ્યા છે.ત્યારે અકસ્માત ન સર્જાય તથા કોઈ ઘટના ન બને તેમજ ઘાટમાર્ગમાં જેસીબી સહીત ક્રેન જેવી સાધન સામગ્રી તથા સુચક બોર્ડ મારવાની જવાબદારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની છે.તેવામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી ન જાગતા તેઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ સામે પ્રવાસીઓ રોષ ઠાલવી રહ્યા છે..




