RAMESH SAVANI
‘વિકાસ’નો ફાયદો માત્ર કોર્પોરેટ ઉદ્યોગપતિઓને, કોર્પોરેટ બાવાઓ-ગુરુઓને થાય છે !
આપણી સમક્ષ વડાપ્રધાનની છબિ પ્રખર રાષ્ટ્રવાદી/ દેશપ્રેમી/ લશ્કરપ્રેમી-સૈનિકપ્રેમી/ રામપ્રેમી તરીકેની છે. પરંતુ તેઓ નથી રાષ્ટ્રવાદી/ દેશપ્રેમી/ લશ્કરપ્રેમી-સૈનિકપ્રેમી કે રામપ્રેમી ! તેમની કથની અને કરણીમાં આભ જમીનનું અંતર છે.
આપણને હતું કે અયોધ્યામાં રામમંદિર શ્રદ્ધાળુ લોકો માટે બન્યું છે. પરંતુ આ મંદિર તો કોર્પોરેટ ઉદ્યોગપતિઓ/ કોર્પોરેટ બાવાઓ-ગુરુઓના લાભ માટે બન્યું છે !
અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ થતાં જ આસપાસની જમીનો ખરીદવા હોડ મચી છે. અયોધ્યાથી માત્ર 6 કિલોમીટર દૂર 13000 એકર આરક્ષિત જમીન પૈકી અમુક જમીન ‘બિન આરક્ષિત’ કરી છે જેથી અદાણી/ બાબા રામદેવ/ શ્રી શ્રી રવિશંકર જમીનના માલિક બની શકે !
અદાણીની કંપની ‘હોમક્વેસ્ટ ઈન્ફ્રાસ્પેસે’ 1.4 હેક્ટર જમીન નવેમ્બર 2023માં ખરીદી છે. શ્રી શ્રી રવિશંકરના ‘આર્ટ ઓફ લિવિંગે’ ફેબ્રુઆરી 2022માં, 5.31 હેકટરથી વધુ જમીન ખરીદી છે. જુલાઈ 2023માં બાબા રામદેવના ‘ભારત સ્વાભિમાન ટ્રસ્ટે’ 3.035 હેક્ટર જમીન ખરીદી છે. યુદ્ધ અભ્યાસ, ફિલ્ડ ફાયરિંગ, આર્ટિલરી પ્રેક્ટિસ અધિનિયમ 1938 હેઠળ 13000 એકર જમીન આરક્ષિત કરેલ હતી તે પૈકી અમુક જમીન ગવર્નરે 30 મે 2024ના રોજ, મુક્ત કરી દીધી છે !
ખેલ અહીં સમજવા જેવો છે ‘બિન આરક્ષિત’નો હુકમ 30 મે 2024ના રોજ થયો; પરંતુ તે પહેલાં ‘સરકાર તો આપણી જ છે ને’ એમ માનીને અદાણી/ બાબા રામદેવ/ શ્રી શ્રી રવિશંકરે જમીનો ખરીદી લીધી હતી ! આ આરક્ષિત જમીનને મુક્ત કરવા પાછળ સરકારનો તર્ક છે કે ‘વિકાસ’ માટે આ જમીનની જરુરિયાત હતી !
‘વિકાસ’ એવો શબ્દ છે જે ગરીબોને કેસરી ગાજર તરીકે દેખાડવામાં આવે છે અને ફાયદો થાય છે : કોર્પોરેટ ઉદ્યોગપતિઓને/ કોર્પોરેટ બાવાઓ-ગુરુઓને !rs