‘જિલ્લા ન્યાયાધીશોને મળી રહ્યું છે માત્ર 15,000 રૂપિયાનું પેન્શન’, સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્દ્ર જલ્દીથી આ મુદ્દો ઉકેલે
સુપ્રીમ કોર્ટે જિલ્લા ન્યાયાધીશોના પેન્શન સંબંધિત કેસની સુનાવણી કરી. ન્યાયાધીશોના ખૂબ ઓછા પેન્શનના મુદ્દાને ઝડપથી ઉકેલવા માટે કેન્દ્ર સરકારને કહ્યું. એમિકસ કયુરી સાથે બેઠક કરીને ઉકેલ શોધવા જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે આ મામલે વધુ સમય માંગ્યો છે. આ પછી સુનાવણી 27 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે.

નવી દિલ્હી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને જિલ્લા ન્યાયાધીશોને અપાતા અલ્પ પેન્શન સંબંધિત મુદ્દાઓને ઝડપથી ઉકેલવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, ‘અમે, જિલ્લા ન્યાયતંત્રના સંરક્ષક હોવાને કારણે, તમને (એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ) વિનંતી કરીએ છીએ કે તમે એમિકસ ક્યૂરી સાથે બેસીને કોઈ રસ્તો કાઢો.’
સીજેઆઈએ કહ્યું કે આમાંથી કેટલાક મામલા ખૂબ જટિલ છે. તેમણે કેન્સરથી પીડિત જિલ્લા ન્યાયાધીશના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જિલ્લા ન્યાયાધીશો દ્વારા પેન્શન સંબંધિત ફરિયાદો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. બેન્ચે કહ્યું કે ‘જિલ્લા ન્યાયાધીશોને માત્ર 15,000 રૂપિયા પેન્શન મળી રહ્યું છે.
જિલ્લા ન્યાયાધીશો હાઈકોર્ટમાં આવે છે અને સામાન્ય રીતે 56 અને 57 વર્ષની વયે હાઈકોર્ટમાં પ્રમોશન મેળવે છે અને તેઓ દર મહિને રૂ. 30,000ના પેન્શન સાથે નિવૃત્ત થાય છે.’ CJIએ કહ્યું કે તેઓ 60 વર્ષના થયા પછી કાયદાની પ્રેક્ટિસ પણ કરી શકતા નથી.
કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે થોડો સમય માંગ્યો હતો. આના પર બેન્ચે સુનાવણી 27 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ઓલ ઈન્ડિયા જજ એસોસિએશન દ્વારા નિવૃત્ત ન્યાયાધીશો માટે કલ્યાણના પગલાં લાગુ કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે.




