લાખણી ના મોટા કાપરા લાયન્સ કોલેજ માં ધર્મ પ્રચાર યાત્રા નો કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી
*આપણું જીવન સદાચારથી યુક્ત હોવું જોઈએ, માત્ર ધર્મની વાતો કરવાથી નહિ પણ ધર્મનું આચરણ કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે. ~ બિપીનભાઈ દવે.*
સનાતન વૈદિક ધર્મ પ્રત્યે લોક જાગૃતિ લાવવા માટે શંકરાચાર્યજી મહારાજ દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહેલ છે શંકરાચાર્યજી મહારાજના કાર્યો જન જન સુધી પહોંચે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તે માટે શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના પ્રિય શિષ્ય બિપીનભાઈ દવે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થાનો પર જઈ પ્રવચન અને લોક સંપર્ક દ્વારા ધર્મ જાગરણનું કાર્ય કરી રહ્યા છે.
રાજકુંવર ફાઉન્ડેશન સંચાલિત લાયન્સ આર્ટ્સ કૉલેજ મોટકાપરા માં આયોજિત કાર્યક્રમ માં બિપીનભાઈ એ કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે પશુ અને મનુષ્ય માં સૌથી મોટો ભેદ જો કોઈ હોય તો ‘ધર્મ’ છે, ધર્માચારણ દ્વારા જ મનુષ્ય મનુષ્યત્વને પ્રાપ્ત કરે છે, સનાતન ધર્મ જ આત્મ કલ્યાણનું સાધન છે જેથી આપણું જીવન ધર્મમય થાય એવા પ્રયાસ કરીએ,
ચોટી- તિલક-શાસ્ત્ર- મંદિર-ધર્મગુરુ આ બધા માટે આપણા પૂર્વજોએ માથા કપાવી દીધા પણ પોતાનો ધર્મ છોડ્યો નહિ જ્યારે આજે આપણે આ બધું છોડી દીધું છે અને ખ્રિસ્તીઓનું કલ્ચર અપનાવી દીધું છે આપણો પહેરવેશ (પેન્ટ શર્ટ), બુટ ચપ્પલ પહેરીને ભોજન કરવાનું, કપાળમાં તિલક નહિ, માથામાં ચોટી નહિ, ઘરમાં ધર્મશાસ્ત્ર નહીં, સોશિયલ મીડિયામાં જોઈએ તો હિન્દુઓના ટોળે ટોળા દેખાય છે પણ ગામના મંદિરો ખાલી ખમ પડ્યા છે. સોશિયલ મીડિયા માં હિન્દુત્વનો માહોલ બનાવીને માત્ર એટલા પૂરતા સિમિત ન બની જઈ ધર્મશાસ્ત્રની આજ્ઞાનુસાર સદાચાર થી સંપન્ન થવાનું છે, કાગળના નહિ અસલ વાઘ બનવાનું છે. સમયની સાથે ચાલો એમાં વાંધો નથી પણ ધાર્મિક પારિવારિક-પ્રસંગોમાં ધોતી પહેરો, ચોટી-તિલક ધારણ કરો, રામ નવમી અને કૃષ્ણ જન્માષ્ટમી ઉજવો છો એમ તિથિ મુજબ જન્મદિન ઉજવો તીર્થ સ્થાનો માં જાઓ છો ત્યાં પર્યટન નહીં પણ યાત્રાની દૃષ્ટિ કેળવો.
ભગવાનની ભક્તિ માટેનો સર્વોત્તમ સમય યુવાની છે જેનો ભરભુર લાભ લો, ધર્મયુક્ત વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળ હોય છે, આત્મ વિશ્વાસ થી ભરપૂર હોય છે. એનું વ્યક્તિત્વ તેજસ્વી હોય છે. ધર્મનો અર્થ માત્ર ટીલા ટપકા કે ધોતી પૂરતો સીમિત નથી, ધાર્મિક વ્યક્તિ વૈજ્ઞાનિક, ડોક્ટર, વકીલ, એન્જીનીયર સહિતના વિવિધ ક્ષેત્રે સફળ થયા છે. ધર્મને ધારણ કરી પોતાની રુચી અનુસાર કારકિર્દી બનાવો તો સફળતા મળશે જ પણ સાથોસાથ સંતોષ અને શાંતિ પણ મળશે.
પ્રવચન બાદ પ્રશ્નોત્તર સત્ર પણ યોજાયું જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો એ ધર્મ લગત સાર ગર્ભિત પ્રશ્નો પૂછ્યા જેના ઉત્તરો આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાઓ સંતોષવા પ્રયત્ન થયો અને કાર્યક્રમના સફળ આયોજન બદલ હેમરાજભાઈ સોઢાને અભિનંદન પાઠવ્યા.
બિપીનભાઈએ વિશેષ માં જણાવ્યું કે જ્યોતિષ્પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત પરમ ધર્મસંસદ 1008 ના તત્વાવધાન માં ચાલી રહેલ આ ‘ધર્મ પ્રચાર યાત્રા’ લોક કલ્યાણનું માધ્યમ ચોક્કસ બનશે.