NATIONAL

વાહન પર રાષ્ટ્રધ્વજ લગાવશો તો થશે ત્રણ વર્ષની જેલ

જો વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવાની વાત આવે તો  ભારતીય ધ્વજ સંહિતા, 2002 ના ફકરા 3.44 મુજબ, મોટર કાર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો વિશેષાધિકાર ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ, સેનાના વડા, કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને કેન્દ્રના નાયબ મંત્રીઓ, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી, લોકસભા અધ્યક્ષ, રાજ્યસભા અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યવિધાનસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાનપરિષદના ઉપાધ્યક્ષ, ભારતના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશને જ હોય છે.

નાગરિકોને ઘરમાં ત્રિરંગો લહેરાવવાની કે હાથમાં ધ્વજ લઈને ચાલવાની સ્વતંત્રતા છે. પરંતુ ખાનગી વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવા એ ગુનો છે. જો કોઈ વ્યક્તિ આમાં દોષી સાબિત થાય છે તો તેની સામે પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ મુજબ, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો જેમ કે રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ વ્યક્તિને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

નિયમો અનુસાર, કોઈપણ જાહેર/ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાનો કોઈપણ સભ્ય કોઈપણ દિવસે અને કોઈપણ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ.

અગાઉ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી હતી, પરંતુ 2022માં સરકારે આ નિયમમાં સુધારો કરીને સમયનો પ્રતિબંધ હટાવી દીધો હતો. હવે લોકોના ઘરો ઉપર રાત્રિના રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તેની છૂટ આપી છે

ધ્વજ સંહિતામાં સંશોધન કરીને પોલિએસ્ટર કાપડથી બનેલો ધ્વજ ફરકાવવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. તેમજ રાષ્ટ્રધ્વજ કોટન/પોલિએસ્ટર/ઊન/સિલ્ક/ખાદીમાંથી બનાવી શકાય છે. હાથથી વણાયેલા અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજનો પણ ઉપયોગ કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!