
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૬ ઓગસ્ટ : કચ્છના અંજાર શહેરના રહેવાસી હર્ષા યોગેશભાઈ સોરઠીયાએ ગોબરમાંથી વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરીને તેના વેચાણ માટે ગુજરાત જ નહીં પણ ભારતના અન્ય રાજ્યોમાં પણ ફેમસ થઈ ગયા છે. હર્ષાબેન સોરઠીયા ગાયના છાણમાંથી નિર્મિત નેચરલ ગોબર પ્રોડક્ટનો વ્યવસાય કરે છે. અમદાવાદ ખાતે યોજાયેલ “કારીગર ઉદ્યમી બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ”માં મહિલા કારીગર ઉદ્યમીનું બિરુદ હર્ષાબેનને મળ્યું હતું. આ સાથે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.અંજારના યુવા ઉદ્યમી હર્ષાબને પોતાના આ વ્યવસાયની શરૂઆત વિશે જણાવે છે કે, મેં મારા ગોબર પ્રોડક્ટની શરૂઆત કોરોના સમયે શ્રાવણ માસ વર્ષ ૨૦૨૧માં કરી હતી. પહેલા તો મેં સોશિયલ મીડિયામાં વીડિયો જોઈ જોઈને મારા ઘરે પ્રોડક્ટ બનાવવાના પ્રયાસો અને પ્રયોગ કર્યા. ત્યારબાદ જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવતો મેં સૌપ્રથમ ગોબરના દીવડા અને ધૂપ સ્ટીક બનાવવાની શરૂઆત કરી. મારા પાડોશી તેમજ અંજારની માર્કેટમાં આ મારી ગોબર પ્રોડક્ટનું વેચાણ કરવાનું શરૂ કર્યું ને તરત જ લોકોને આ પ્રોડક્ટસ અલગ લાગી. લોકો આ પ્રોડક્ટસને ખરીદવા લાગ્યા. લોકોના સહકારથી મારો ઉત્સાહ વધ્યો અને મારું મનોબળ આ વ્યવસાય માટે વધારે મજબૂત થયું.
મેં મારા વ્યવસાયને આગળ વધારવાનું ચાલું રાખ્યું તે દરમિયાન મેં એક ગોબરની નવી પ્રોડક્ટ બનાવી જેને ‘સંમ્બ્રાનીકપ’ કહેવાય. સંમ્બ્રાનીકપનું ફિનિશિંગ જોઈ લોકોએ આ પ્રોડક્ટને ખૂબ પસંદ કરી. ત્યારથી મારા વ્યવસાયનું માર્કેટિંગ વધ્યું. કચ્છની સાથે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લોર, કેરલા, તેલંગાણા, હૈદરાબાદ જેવા અલગ અલગ રાજ્યો અને શહેરમાં મારી પ્રોડક્ટ વેચાવવા લાગી અને હું લોકોમાં એક નવી ઓળખાણ સાથે પ્રસ્થાપિત થવા લાગી.હર્ષાબેન વધુમાં ઉમેરે છે કે, દુઃખની વાત તો એ હતી કે જેમ જેમ મારો વ્યવસાય વધતો ગયો તેમ તેમ મને ગોબરની ઉણપ વર્તાવા લાગી. હું આજુબાજુના ઘરો અને વાડી વિસ્તારમાં રહેતી પાલતુ ગાયોનું ગોબર ભેગું કરતી હતી. જોકે આ બધું કરવા છતાં પણ ગોબર પ્રોડક્ટ બનાવવામાં મને ગોબર ઓછું પડવા લાગ્યું. આથી હું ગૌશાળામાંથી પણ ગોબર એકઠું કરવા લાગી. ગૌ પ્રેમીઓ અને ગોબર પ્રોડક્ટ બનાવનાર વ્યક્તિઓ પાસેથી મને પ્રેરણા મળી કે, આ ગોબર પ્રોડક્ટ એક તહેવારોનો અને ચોક્કસ સિઝનનો ધંધો છે, જે ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં જ ચાલે છે.હર્ષાબેન ગોબર પ્રોડક્ટના વેચાણમાં પોતાના નવા પ્રયાસ વિશે જણાવતા કહે છે કે, મેં રોજિંદા જીવનમાં વપરાશમાં આવતી પ્રોડક્ટ બનાવવાનું વિચાર્યું જેમ કે, ગોબર સાબુ, ફિનાઈલ, દંતમંજન, કેશ તેલ, કેશ શેમ્પુ, ફેશવોશ, વાસણ ધોવા માટેનું લિક્વિડ વગેરે. આ બધી પ્રોડક્ટ પણ હું ગોબર, ગૌમૂત્ર તેમજ જડીબુટ્ટીથી બનાવું છું. જેનાથી લોકોને શરીરમાં કોઈ આડઅસર થતી નથી અને તે ફાયદાકારક પણ રહે છે. ધીમે ધીમે મેં ગોબરની ૨૦ થી ૨૨ પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કર્યું. મારા વ્યવસાયને આગળ વધારવા માટે હું નાના મોટા એક્ઝિબિશન પણ કરવા લાગી.હર્ષાબેન જણાવે છે કે, ગોબરની પ્રોડક્ટનો મારો વ્યવસાય ધીમે-ધીમે સમગ્ર ભારતમાં ફેલાતો ગયો અને મને એક નવી જ ઓળખાણ મળી. આ સિદ્ધિમાં જરૂરિયાતમંદ લોકોને ભાગીદાર બનાવવા, મેં મારા વ્યવસાયમાં બેરોજગાર મહિલાઓને કામ આપવાનું ચાલુ કર્યું. મેં ગામડાઓમાં લોકોને ગોબર અને ગૌમૂત્રના મહત્વ વિશે સમજાવી તાલીમ આપવાનું કામ અભિયાન સ્વરૂપે શરૂ કર્યું. હું ઓનલાઇન માધ્યમથી લોકોને તાલીમ આપવા લાગી. જ્યારે લોકો મને ગોબરવાળાબેન તરીકે પણ ઓળખવા લાગ્યા તે સાંભળીને મને બહુ ગમતું કે આવી પણ મારી એક અલગ ઓળખાણ છે. કચ્છની હું પ્રથમ મહિલા છું જેની પાસે નથી પોતાની ગાય કે નથી ગૌશાળા છતાં પણ હું ૨૨ જેટલી અલગ અલગ ગોબર પ્રોડક્ટ બનાવી રહ્યું છું, તેનું વેચાણ કરી રહ્યું છે અને લોકોને રોજગારી આપી રહી છું. મારા વ્યવસાયની સફળતામાં ખાસ કરીને મને મારા પરિવારજનો તેમજ મિત્ર વર્તૂળનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. મને એવું લાગે છે કે ગૌમાતાના આશીર્વાદથી હું આ કાર્યો કરવામાં સફળ થઈ છું.ગૌમાતાના આર્શીવાદના લીધે મને અનેક જગ્યાએ સન્માન મળ્યું છે. હું મારા અંતિમ ક્ષણ સુધી ગૌમાતાનું ઋણ નહીં જ ચૂકવી શકું. હું લોકોને કહેવા માગું છું કે, જ્યારે ગૌમાતા દૂધ આપતી હોય છે ત્યારે તેમનું પૂજન અને સેવા ચાકરી થાય છે. જ્યારે ગૌમાતા દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે તેને તરછોડી દેવામાં આવે છે. લોકોના આ સ્વાર્થી વલણથી મને ખૂબ જ દુઃખ છે. આવા લોકોને એ જ સંદેશો પહોંચાડવા માગું છું કે ગૌમાતાની હેરાનગતિથી તમે પાપના ભાગીદાર બનો છો. ગૌ માતાના આશીર્વાદથી હું જ્યારે પણ મારી ગૌશાળા બનાવવામાં સક્ષમ બનીશ ત્યારે હું દૂધ ન આપનાર ગૌમાતાને તેમના અંતિમ સમય સુધી મારી પાસે રાખીને એમની ખૂબ સેવા કરીશ તેમ હર્ષાબેને જણાવ્યું હતું.





