Rajkot: કાનૂની માપ વિજ્ઞાન કચેરીની કામગીરીની સમીક્ષા બાબતે બેઠક યોજાઇ

તા.૧૯/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન કચેરી દ્વારા ૧૩ હજારથી વધુ તોલમાપ સાધનોની ચકાસણી કરાઈ
Rajkot: ગ્રાહકના હિતના જતનને અગ્રતા આપતા રાજકોટ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન કચેરી દ્વારા એપ્રિલ માસથી લઈને જુલાઈ માસ સુધીમાં ૧૩ હજારથી વધુ તોલમાપ સાધનોની તપાસ કરાઈ છે.
ગ્રાહકોના હિતો જળવાઈ રહે અને તોલમાપમાં તેમને ઓછો માલ ના મળે તે હેતુસર મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વિભાગીય નિરીક્ષકો દ્વારા વર્ષ દરમિયાન જિલ્લામાં આવેલા વિવિધ વ્યાપારી એકમોના વજન-માપના સાધનોની ચકાસણી મુદ્રાંકનની કામગીરી કરવામાં આવે છે. આ સાથે નિયમ મુજબ ચકાસણી મુદ્રાંકનની ફી વસૂલ કરવામાં આવે છે. ઉપરાંત જિલ્લામાં આવેલા વ્યાપારી એકમોની ‘ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯’ અને નિયમો હેઠળ ઓચિંતી મુલાકાત લઈ કાયદા/નિયમોનાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને તેના ભંગ સબબ માંડવાળ ફી વસૂલ કરવામાં આવે છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાનૂની માપ વિજ્ઞાનની કચેરીના અધિકારીશ્રી દ્વારા બેઠકમાં વિભાગની વિવિધ કામગીરી બાબતે જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શ્રીમતી ડૉ. દર્શિતાબહેન શાહ, ડૉ. શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવ, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.સિંઘ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


