KUTCHMANDAVI

પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ વરસાદ આફતથી અસરગ્રસ્ત માંડવીના બાબાવાડી વિસ્તારની મુલાકાત લીધી.

પ્રભારીમંત્રીશ્રીએ રાહત- બચાવ કામગીરી તેમજ આશ્રયસ્થાનોમાં વ્યવસ્થાપન અંગે મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી સમીક્ષા કરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

વાવાઝોડાની આગાહીને પગલે તાલુકાના તંત્ર વાહકોને આગોતરા આયોજન માટે સૂચનાઓ આપી

બાબાવાડી ખાતે સ્થળાંતરિતોને મદદરૂપ થવા સાથે સંવાદ સાધીને તમામ પ્રકારની મદદ માટે હૈયાધારણા આપી

માંડવી,તા-૩૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની આજરોજ પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મુલાકાત લઈ સ્થળાંતરિત કરવામાં આવી રહેલા નાગરિકોના ખબર અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. પ્રભારીમંત્રીશ્રીએ રાહત-બચાવ તથા આશ્રયસ્થાનોમાં વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી.કચ્છ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના પગલે જિલ્લાના તમામ વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. જેના કારણે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી છે. માંડવી તાલુકામાં છેલ્લા પ દિવસમાં પડેલા ભારે વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતાં પ્રભારીમંત્રીશ્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે રાજ્ય સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપીને બાબાવાડી ખાતે સ્થળાંતરિત થતાં નાગરિકો સાથે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રેડ એલર્ટ હોવાથી અત્યારે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઅલીટી માટે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉપરાંત વીજ પુરવઠા વિશે પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્થિતિ સામાન્ય થતા જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. ઉપરાંત હાલ પણ પીજીવીસીએલની ટીમો દ્વારા ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.તેમણે વધુમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા આશ્રયસ્થાન પર લોકોને સલામતી માટે સ્થળાંતરિત થવા અનુરોધ કરીને સ્થળાંતરમાં લોકોને મદદરૂપ બન્યા હતા.સ્થળાંતર થતા નાગરિકો પૈકી એક પરિવારની નાનકડી બાળકી બીમાર હોવાથી તેને તત્કાલ અસરથી આર્મીની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ બાળકી તેમજ પરિવારની પ્રભારીમંત્રીશ્રી એ ખબર અંતર પૂછીને કોઈ પ્રકારની ચિંતા ન કરવા હૈયાધારણા આપી હતી.આ મુલાકાત વેળાએ પ્રભારી મંત્રીશ્રીએ, મામલતદારશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને વાવાઝોડાની આગાહીને પગલે રાહત બચાવ તેમજ સ્થળાંતર સહિતની કામગીરીના આગોતરા આયોજન માટે ખાસ સૂચના આપી હતી. માંડવી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસતા વરસાદ વચ્ચે તાલુકામાં સ્થળાંતર, રાહત -બચાવ, ડેમમાં પાણીની સ્થિતિ તેમજ અન્ય કામગીરીની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. સતત વરસાદના પગલે ખાસ કરીને પાપડી, કોઝવે વગેરે બંધ રાખવા તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. ઉપરાંત અસરગ્રસ્ત ગ્રામ્ય તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તત્કાલ અસરથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવા માટે તથા વાવાઝોડાની આગાહીના પગલે જોખમી વિસ્તાર તેમજ કાચા મકાન ધરાવતા વિસ્તારના લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવા ખાસ સૂચના આપી હતી. પ્રભારીમંત્રીશ્રીએ રાહત બચાવની કામગીરીમાં ખડેપગે સેવા આપતા આર્મીના જવાનોને બિરદાવ્યા હતા.પ્રભારી મંત્રીશ્રી સાથે આ મુલાકાત વેળાએ સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!