Rajkot: રાજકોટ જિલ્લામાં ૫૦૦થી વધુ અસરગ્રસ્તોને ૬૧ હજાર કેશડોલ્સ ચુકવાઈ
તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૯૨ પશુઓના મૃત્યુના કિસ્સામાં રૂ. બે લાખથી વધુની સહાયનું ચૂકવણું
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં થયેલ ભારે વરસાદ પછી થયેલી નુકસાનીનો સર્વે શરૂ થઈ ગયો છે તેમજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વરસાદના અસરગ્રસ્ત લોકો, પશુમૃત્યુ તેમજ ઘરવખરી નુકસાનની સહાયની અસરગ્રસ્તોને ચૂકવણી શરૂ પણ કરી દેવામાં આવી છે.
જે મુજબ, રાજકોટ જિલ્લાના તાલુકાઓ, નગર પાલિકા વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૫૧૦ લોકોને રૂપિયા ૬૧,૩૦૦ કેશડોલ્સ ચુકવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય અસરગ્રસ્તોને ચૂકવણીની પ્રક્રિયા ગતિમાં છે.
ભારે વરસાદના સંજોગોમાં રાજકોટ જિલ્લામાં ૧૨૧ પશુઓના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જેમાં ગાય, બકરી, ભેંસ, પાડી-પાડા તેમજ મરઘાંના મૃત્યુ બદલ અત્યાર સુધીમાં ૯૨ પશુઓના મૃત્યુ પેટે રૂ. ૨,૦૧,૦૦૦ ચૂકવી દેવામાં આવ્યા છે. ૧૮ પશુ મૃત્યુના સહાયની ચૂકવણી પ્રક્રિયા વેગવાન છે.
જિલ્લા કુલ મળીને ૩૯ જેટલા આંશિક પાકા મકાનોમાં નુકસાની થયાનું જ્યારે ૫૧૩ આંશિક કાચા મકાનોમાં નુકસાની થયાનું નોંધાયું છે. આ મામલે હજુ સર્વે પણ ચાલુ છે અને સહાયની ચૂકવણીની પ્રક્રિયા ગતિમાં છે.
રાજકોટ જિલ્લામાં ૧૭ ઢોર-શેડને નુકસાન થયાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં વરસાદના સંજોગોમાં ગોંડલ તાલુકામાં ત્રણ માનવ મૃત્યુ નોંધાયા છે તથા જેતપુરમાં એક તથા રાજકોટ તાલુકામાં એક મળીને બે વ્યક્તિને ઈજા પહોંચ્યાનું નોંધાયું છે. જેમને સહાયની ચૂકવણીની કામગીરી પણ પ્રગતિમાં છે.