
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી.
રેસિડેન્શિયલ વિસ્તારોમાં પીવાના પાણીની તપાસ કરીને પાણીજન્ય રોગો અટકાવવા જરૂરી માર્ગદર્શન આપતા આરોગ્ય કર્મચારીઓ.
ઘરે-ઘરે મુલાકાત લઈ લોકોના આરોગ્યની તપાસ કરી રોગચાળાને ડામવા માટેની સલાહ સૂચન આપતું આરોગ્ય તંત્ર.
માંડવી,તા-૦૨ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાય એવી સંભાવના રહેલી હોય છે. જેથી સાવચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગ અટકાયતી પગલાં માટે આરોગ્ય વિભાગ દ્વારા ૩૫૦થી વધુ ટીમો બનાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રવિન્દ્ર ફૂલમાલીના દિશાનિર્દેશ અનુસાર દરેક તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને ફરજ સોંપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને ચોક્કસ જવાબદારી સોંપી પૂરજોશમાં તબીબી કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યકર્મીઓ દ્વારા ઘરે-ઘરે જઈને પાણીની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, પાણી ભરાયા હોય તેવા પાત્રો, ટાયર વગેરેનો નાશ કરીને મચ્છરજન્ય રોગચાળાને ડામવા સલાહ સૂચન આપવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરનો સ્ટાફ વિવિધ ગામડાંઓની મુલાકાત લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સૂચનાઓ આપીને ગામના પીવાના પાણીના ટાંકામાં યોગ્ય ક્લોરિનેશન થાય તે બાબતને સુનિશ્ચિત કરી રહ્યો છે. આ ઉપરાંત પાણી સુપર ક્લોરિનેટેડ કર્યા બાદ ઉકાળીને પીવાથી પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે તેમ નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે. પાણી ભરાયેલા ખાડા ખાબોચિયા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડાયફ્લોન્ઝો દવાઓના છંટકાવથી એન્ટી લાર્વલ એક્ટિવિટીને યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.ભારે વરસાદથી અસરગ્રસ્ત તાલુકાઓ જેમ કે માંડવી, મુન્દ્રા, અબડાસા અને લખપતમાં વિશેષ અભિયાન અંતર્ગત સર્વેલન્સની કામગીરી કરીને નાગરિકોને સારવાર આપવામાં આવી રહી છે. લોકોને સામાન્ય તાવ આવે તો પણ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જિલ્લા સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.









