BHARUCH

શિક્ષક દિન નિમિત્તે જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ સાંસદની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૫/૦૯/૨૦૨૪

 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ શિક્ષક દિન નિમિત્તે જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ સાંસદ મનસુખ વસાવાની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ ગયો.

 

આ પ્રસંગે, ભરૂચના સાંસદે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ માં ભારત દેશને વિકસિત બનાવવાનું જે લક્ષ્ય દેશને આપ્યું છે, તે માટે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી શાળામાં તેને અનુરૂપ વાતાવરણ આપવા શિક્ષકશ્રીઓને તેમણે અનુરોધ કર્યો હતો. સમયની માગ અને પરિસ્થિતિ પ્રમાણે ઔધોગિક એકમોને મદદરૂપ બને તેવા શિક્ષણની હિમાયત તેમણે કરી હતી.

 

આ પ્રસંગે, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ વિદ્યા સહાયકથી કલેક્ટર તરીકેની કારકીર્દીના ઉદાહરણ રૂપ સંભારણાઓ શિક્ષકો સાથે વાગોળ્યા હતા.તેમણે કહ્યું કે, શાળાનું બાળપણ, શિક્ષક તરીકેનો રોલ અને સાપ્રંત સમયની શાળાઓમાં ધરમૂળથી બદલાવ જોઈ શકાય છે. વર્ષો પહેલા સમૂહ માધ્યમોનો મર્યાદિત ઉપયોગ હતો. તે સમયે માહિતીનું આદાન – પ્રદાન નહિવત હતું. પરંતુ કોમ્યુનિકેશન બ્લાસ્ટ થતા તમામ સમૂહ માધ્યમોએ ઉત્કાંતિ સર્જી છે. જેણે શિખવાના અમર્યાદિત રસ્તાઓ ખોલી દીધા છે. કોમ્યુનિકેશન બ્લાસ્ટ વચ્ચે શિક્ષકનું કામ હવે વધારેને વધારે કઠીન બનતું જાય છે અને તેનું સ્થાન પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લઈ રહ્યું છે.

 

વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીના વિકાસથી શિક્ષણની આખે આખી થીમ હવે બદલાઈ રહી છે. તમામ ક્ષેત્રોમાં સ્પર્ધાઓ વધતી જાય છે. ત્યારે બદલાયેલા આ યુગમાં શિક્ષકોએ પણ અપગ્રેડ બની ઈનોવેટીવ બનવાની જરૂરીયાત છે. શિક્ષણ એ સ્કૂલની એકમાત્ર પ્રવૃતિ નથી પણ બહોળા સમાજને શિક્ષિત કરતી એક રસપ્રદ પ્રોસેસ છે. આજનો કાર્યક્રમ શિક્ષકોને સમપિર્ત તો ખરો જ ! પણ જાણતા – અજાણતા પણ જીવનમૂલ્યો શિખવતા એ તમામ લોકોને સમપિર્ત એક આગવો મહોત્સવ છે. અંતમાં, તેમણે શિક્ષણ વિભાગની ઉત્સાહી ટીમની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

 

આ વેળાએ,ધારાસભ્ય રમેશભાઇ મિસ્ત્રીએ ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો, બાળકો અને તમામ શિક્ષકગણને શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે,લોકસભાના સાંસદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપીને બિરદાવવામાં આવ્યા હતા. અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અને ૧૦૦% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે આભાર વિધિ કરી હતી.

 

આ વેળાએ, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધા, નગર પાલિકા પ્રા. શિક્ષણ સમિતના ચેરમેન અશોક બારોટ, જીલ્લા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદેદારો, શિક્ષણ ઘટકસંઘના હોદેદારો, ડાયટ પ્રાચાર્ય, મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા તરીકે (૧) પ્રદિપકુમાર સુભાષચંદ્ર દોશી – પ્રાથમિક શિક્ષક પ્રાથમિક શાળા, પાનોલી, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ, (૨) હિરેનકુમાર ચંદ્રકાન્તભાઈ દિહેણીયા- માધ્યમિક શિક્ષક શ્રી રંગ નવચેતન વિધામંદિર, વાલીઆ, તા. વાલીઆ, (૩) અફરોઝ મોહંમદભાઈ દેસા -ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ઝેનિય હાઈસ્કૂલ, અંકલેશ્વર, તા. અંકલેશ્વર, (૪)વિપુલભાઈ ચંદુભાઈ રોહિત – HTAT આચાર્ય પ્રાથમિક કન્યા શાળા, રાજપારડી, તા. ઝઘડિયા, જિ.ભરૂચ

જ્યારે, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય-શિક્ષકો (૧) રામીબેન દેવશીભાઈ ઝાલા – પ્રાથમિક શિક્ષક પ્રાથમિક શાળા, પઠાર, તા. વાલીઆ, (૨) જશવંતભાઈ લાલજીભાઈ પટેલ – પ્રાથમિક શિક્ષક પ્રાથમિક શાળા, વાસણા, તા. આમોદ, (૩) ફરીદાબેન અલીભાઈ જમાદાર – પ્રાથમિક શિક્ષક પ્રાથમિક શાળા, રોઝાટંકારીયા, તા. આમોદ, (૪) બિનીતાબેન રાજેશભાઈ રાણા – પ્રાથમિક શિક્ષક પ્રાથમિક કન્યા શાળા, રાજપારડી, તા. ઝઘડિયા, (૫) અલ્પેશકુમાર ડાહયાભાઈ પટેલ – પ્રાથમિક શિક્ષક પાથમિક શાળા, બોરજાઈ, તા. ઝઘડિયા, (૬) હેતલબેન દિક્ષીતકુમાર રાણા – પ્રાથમિક શિક્ષક પ્રાથમિક કન્યા શાળા, મનુબર, તા. જિ. ભરૂચ, (૭) પૂર્વીબેન સનમુખભાઈ રાણા – પ્રાથમિક શિક્ષક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મુખ્ય શાળા નં-૨, અંકલેશ્વર,તા. અંકલેશ્વર, (૮) હેતલબેન ડાહયાભાઈ પટેલ – પ્રાથમિક શાળા, જુના બોરભાઠા બેટ, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ જેટલા શિક્ષકોને અપ્રતિમ કામગીરી બદલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!