
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓને ભારત લાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના લડવૈયાઓને યથાયોગ્ય અંજલિ અર્પણ કરી છે.
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનર્વસનની મંજૂરી મળતા કચ્છ વૈશ્વિક ફલક પર ચમકશે.
સરકારે કચ્છના પાણીના પડકારને આજે પ્રસાદમાં બદલી નાખ્યો છે.
ભુજમાં નવીન પ્રાંત કચેરી અને શહેર મામલતદાર કચેરી તેમજ આરોગ્ય સુવિધાઓ, પાણી પુરવઠાના કામના લોકાર્પણથી જન સુવિધાઓમાં થશે વધારો.
મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં વનસંપદાઓથી ભરપૂર “ચાડવા રખાલ”નું સરકારશ્રીને હસ્તાંતરણ કરતા રાજવી પરિવારો.
રાજવી પરિવાર પાસે હસ્તાંતરિત ‘ચાડવા રખાલ’ને રૂ.૧૦ કરોડના ખર્ચે હેણોતરા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીની સંઘર્ષ ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું : સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા.
સ્મારકનું નવીનીકરણ કરીને ગુજરાત સરકારે માંડવીને પ્રવાસનરૂપે એક ભેટ આપી છે : ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે.
માંડવી,તા-૦૫ ઓક્ટોબર : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૩૪.૫૬ કરોડના કુલ ૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.૧ર૩ કરોડથી વધુના કુલ ૧૬ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની જન્મજયંતિ નિમિત્તે તેમના આઝાદીના બલિદાનને યાદ કરીને ભાવાંજલિ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર ભક્તિભાવ અને દેશની વિરાસત અને તેના વૈભવના પુનઃજાગરણની પ્રતિબદ્ધતાથી માંડવી ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ‘ક્રાંતિ તીર્થ’નું ભવ્ય નવનિર્માણ શક્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીના ‘વિકાસથી વિરાસત’નો વિચાર આજે ૧૨૩ કરોડથી વધુના વિકાસ કામોથી સાકાર થતો જોવા મળી રહ્યો છે તો દેશના વિકાસની સાથે સાંસ્કૃતિક વૈભવ અને વિરાસતોની મહત્તમ પ્રાપ્તિ પણ સૌને થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વિદેશથી શ્રી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિઓને ભારત લાવી આઝાદીની લડતના ‘અનસંગ હીરો’ એવા શ્રી શ્યામજી કૃષ્ણવર્માના છેલ્લા સંકલ્પને પરિપૂર્ણ કરવાનું મહાન કામ કર્યું છે. દેશના આ મહાન સપૂતના અસ્થિઓને સંપૂર્ણ ગૌરવ સાથે રાજ્યવ્યાપી વીરાંજલી યાત્રા યોજી માંડવી ખાતે સ્થાપિત કરી ક્રાંતિતીર્થનું નિર્માણ કર્યું છે. આજે સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓના જીવનમાંથી પ્રેરણા લેવા અનેક લોકો આ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે.વડાપ્રધાનશ્રીનો કચ્છ પ્રત્યે હંમેશા અપાર સ્નેહ અને લગાવ રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિનાશક ભૂકંપ પછી કચ્છને ફરી વિકાસની રાહે દોડતું કરવા નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં અનેક વિકાસ પ્રકલ્પો તથા યોજનાઓ અમલમાં મૂક્યા છે. વિનાશકારી ભૂકંપ વેઠી ફરી ખુમારી સાથે બેઠા થયેલા કચ્છની પુનઃવસનની ગાથા તેઓએ ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલના માધ્યમથી દુનિયા સમક્ષ મૂકી છે.કચ્છમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશા સમર્પિત છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ ગ્રીન એનર્જી પાર્કનું કચ્છમાં નિર્માણ થવા જઈ રહ્યું છે તો WTO દ્વારા ધોરડોને બેસ્ટ ટૂરીઝમ વિલેજ તરીકે જાહેર કરી પ્રવાસન ક્ષેત્રે કચ્છ જિલ્લાએ એક નવું સીમાંકન હાંસલ કર્યું છે. કેન્દ્ર સરકારે બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનર્વસન માટે મંજૂરી આપતા હવે અહીંનું બન્ની ગ્રાસ લેન્ડ વૈશ્વિક ફલક પર જાણીતું બનશે તો સાથે સાથે કચ્છ સહિત રાજ્યના પ્રવાસનને પણ વેગ મળશે. એક સમયે કચ્છમાં પાણીની સમસ્યા પડકારરૂપ હતી ત્યારે વિકાસની રાહે સતત આગળ વધતી સરકારે એ પડકારને પ્રસાદમાં બદલી નાખ્યો છે. આજે થઈ રહેલા પાણી પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ વગેરેના લોકાર્પણ તથા ખાતમૂહુર્તના વિકાસ કામો તેના સાક્ષી રૂપ છે.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર “ચાડવા રખાલ”ને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો હતો. ૫ હજાર હેક્ટર વિસ્તારને મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં સરકારને હસ્તાંતરિત કરતા રાજકોટના રાજવીશ્રી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, કચ્છના મહારાજા પ્રાગમલજી બીજાએ જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદના દાખવીને વન સંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્તારને સંરક્ષિત કર્યો હતો. કચ્છના રાજવીઓએ આજદિન સુધી આ વિસ્તારના સંરક્ષણનું કાર્ય કર્યું છે તેમ જણાવીને રાજવીશ્રી માંધાતા સિંહે ઉમેર્યું હતું કે, આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી ચાડવા રખાલ વિસ્તાર ગુજરાત સરકારને હસ્તાંતરિત કરતા રાજ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી આ વિસ્તારને વધુ સંરક્ષણ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ રાજ પરિવારે વ્યક્ત કર્યો હતો. કચ્છના રાજ પરિવારના કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા અને શ્રી કૃતાર્થસિંહ જાડેજા, મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા વિસ્તારના હસ્તાંતરણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીના સંઘર્ષની ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલું ક્રાંતિતીર્થ આવનારા દિવસોમાં દેશદાઝનું કેન્દ્રબિંદુ બનશે. સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે, કચ્છના સપૂત શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ આઝાદીની ચળવળમાં અનેક ક્રાંતિકારીઓને તૈયાર કરવાનું મહાન કાર્ય કર્યું હતું. કચ્છ જિલ્લામાં દરેક ક્ષેત્રના વિકાસ માટે સાંસદશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રીશ્રીને કચ્છમાં આવકારીને જણાવ્યું હતું કે, ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારકના નિર્માણનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું હતું જેને શ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર નવીનીકરણ કરીને આગળ ધપાવી રહી છે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, શ્યામજી કૃષ્ણવર્મા દેશ માટે જીવવાની પ્રેરણા આપે છે. ધારાસભ્યશ્રીએ નવીનીકરણ થયેલા સ્મારકને માંડવીમાં પ્રવાસનરૂપે એક ભેટ ગણાવી હતી. આ પ્રસંગે જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વિઝનથી ક્રાંતિથીર્થનું નવીનીકરણ શક્ય બન્યું છે. તેઓએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીની ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જીએમડીસીનો સર્વાંગી વિકાસ થયો છે. શ્રી રૂપવંતસિંઘે જીએમડીસી ઉદભવ પણ કચ્છથી થયો હતો તેમ હર્ષ સાથે જણાવીને માંડવીના ક્રાંતિતીર્થના નવીનીકરણ માટે જીએમડીસીને સહભાગી બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઈતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા લિખિત શ્યામજી કૃષ્ણવર્માના સંસ્મરણો સાથે જોડાયેલા ‘ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઈન લંડન’ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ કર્યું હતું. કચ્છ જિલ્લા સંગઠન, સરપંચશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્ર, જીએમડીસી દ્વારા વિવિધ ભેટ આપીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરીને કચ્છને વિવિધ વિકાસ કામોની ભેટ આપવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત થયેલા કામોની વિગતો.
૧. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ.૨૯.૯૪ કરોડના ખર્ચે માંડવી ભાગ-૩ જૂથ સુધારણા યોજનાનું લોકાર્પણ
૨. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ.૧૯.૨૨ કરોડના ખર્ચે ભુજ ભાગ-૨ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ
૩. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૧૦.૪૨ કરોડના ખર્ચે ૬૬ કે.વી ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ
૪. શિક્ષણ વિભાગના રૂ. ૮.૮૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની ૧૩ પ્રાથમિક શાળામાં કુલ ૪૮ નવીન ઓરડા, શાળા રિપેરિંગ અને ટોયલેટ બ્લોકનું લોકાર્પણ
પ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૭.૨૭ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી કુનરિયા સબસ્ટેશનનું લોકાર્પણ
૬. મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૭.૧૨ કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર(શહેર) કચેરીનું લોકાર્પણ
૭. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૪.૨ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જનાણનું લોકાર્પણ
૮. આરોગ્ય અને પરિવાર કલ્યાણના રૂ.૧.૦૯ કરોડના ખર્ચે બનેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અંજારનું લોકાર્પણ
૯. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.૧.૦૬ કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા કાંડાગરાનું લોકાર્પણ આમ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુલ રૂ.૮૯.૨૧ કરોડના ખર્ચે ૦૯ કામોનું ઇ-લોકાર્પણ કરીને કચ્છીજનોને ભેટ આપી હતી.
મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતમૂહુર્ત થયેલા વિવિધ વિકાસ કામો –
૧. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂ.૮.૧૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશનનું ખાતમૂર્હુત.
૨. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ. ૬.૯૮ કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદ્રઢીકરણનું ખાતમૂર્હુત
૩.માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.૬.૦૫ કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી ૩૮/૦૦ થી ૩૯/૦૦ વચ્ચે નવો પુલ કામનું ખાતમૂર્હુત
૪.માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે મોથાળા કોઠારા રસ્તાના મજબૂતીકરણનું ખાતમૂહુર્ત
૫. મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૨.૯૨ કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-૧ કક્ષાના ૬ કવાર્ટસનું ખાતમૂહુર્ત
૬. શિક્ષણ વિભાગ દ્વારા રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે કચ્છના માનપુરા અને આણંદપર યક્ષ પ્રાથમિક શાળાના કુલ ૯ નવીન ઓરડાનું ખાતમૂહુર્ત,૭. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ૬૬ કે.વી. ધુણઈ સબ સ્ટેશનનું રૂ. ૬.૧૦ કરોડના ખર્ચે ખાતમૂહુર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૩૪.૫૬ કરોડના કુલ ૭ કામોનું ઇ-ખાતમૂહુર્ત કરીને કચ્છવાસીઓને ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી કેવલસિંહ જાડેજા, શ્રી મહિપતસિંહ જાડેજા, શ્રી હરિશભાઈ વિંઝુડા, શ્રી રચનાબેન જોશી, શ્રીમતિ ઉર્મિલાબેન ગોર, શ્રી દિલિપભાઈ દેશમુખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, સહિત કચ્છ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



















