ચોર હોવાની શંકામાં યુવાનને ધોઈ નાખ્યો:અંકલેશ્વરના ભાદી ગામે યુવાનને ઢોર માર મારતાં પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં ચોર અંગેના વાઇરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ મામલે પાનોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ અંકલેશ્વરમાં ચોર હોવાની શંકામાં નિર્દોષને માર મારવાની વધુ એક ઘટના બની છે. ટૂંકા સમયગાળામાં ભરૂચ તેમજ અંકલેશ્વરમાં આ ચોથી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના ભાદી ગામે વધુ એક યુવાનને ચોર હોવાની આશંકાએ ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પાનોલી પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવાનને છોડાવ્યો હતો.
આ તરફ ગત રોજ હાંસોટના ગોડાદરા ગામે પણ બે યુવાનોને ગ્રામજનોએ ઘેરી લીધા હતા અને ટપલીદાવ કર્યો હતો. હાંસોટ પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચી યુવાનોનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના વાઇરલ થયેલા મેસેજના કારણે નિર્દોષ લોકોને માર મારવામાં આવી રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.