AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા સંકલન સમિતિમા કલેકટરશ્રીએ ‘પ્રોજેકેટ દેવી’ અને ‘પ્રોજેક્ટ સંવેદના’ના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

સંવેદનશીલ અભિગમ સાથે કલેક્ટર શ્રી મહેશ પટેલે પ્રજાજનો સાથે સંવાદ સાધી સમસ્યા નિવારણ સાથે આસ્વસ્ત કર્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સંવેદનશીલ અભિગમ સાથે કલેક્ટર શ્રી મહેશ પટેલે પ્રજાજનો સાથે સંવાદ સાધી સમસ્યા નિવારણ સાથે આસ્વસ્ત કર્યા

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંકલન સમિતિની બેઠકમા, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે ‘પ્રોજેકેટ દેવી’ અને ‘પ્રોજેક્ટ સંવેદના’ અંતર્ગત પ્રજાભિમુખ સંવેદનશીલ અભિગમ દાખવી, જિલ્લાના અલગ અલગ વિસ્તારના ભોગ બનનારા લોકો સાથે સિધો સંવાદ સાધી, તેમની આપવિતી જાણી હતી.
અસરગ્રસ્ત લોકોના દુ:ખ અને પ્રશ્નો જાણી કલેક્ટરશ્રીએ, ત્વરિત પ્રશ્નોનુ નિરાકરણ લાવી, લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભો આપવા અંગે, સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

‘પ્રજાહિત સૌ પ્રથમ’નો અભિગમ અપનાવી જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે, સમાજમા ભોગ બનનારા વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમા લાવવા માટે, પોલીસના પ્રયાસને બિરદાવ્યા હતા. ડાંગ પોલીસની She Teamને સહયોગ આપવા પણ જિલ્લા અધિકારીશ્રીઓને ક્લેક્ટરશ્રી સુચના આપી હતી.

ડાંગ જિલ્લાના તમામ અધિકારીઓને મળવાપાત્ર લાભો આપવા, અને લોકોને મદદરૂપ થવા પણ તેમણે આહવાન કર્યું હતુ.

ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા, તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામા દીર્ઘકાળથી ચાલી આવતી ‘ડાકણ પ્રથા’ને નાબુદ કરી, પિડીત મહિલાઓનુ સમાજમા પુન:સ્થાપન કરી, તેમને એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ એવા ‘પ્રોજેક્ટ દેવી’ ને તાજેતરમા જ, રાષ્ટ્રીય કક્ષાના “SKOCH” એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યો છે. તેની પણ જિલ્લા કલેક્ટરશ્રીએ સરાહના કરી હતી.

આ સાથે જ ગત દિવસોમા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંધવી દ્વારા, ગુજરાત વિધાનસભામા કાળો જાદુ અટકાવવા અંગેનુ વિધેયક રજુ કરાયુ હતુ. જે માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરવામા આવ્યુ હતુ. ત્યારે ડાંગ જિલ્લામા શરૂ કરાયેલા આ ‘પ્રોજેકટ દેવી’ની પણ, આ બીલમા ખૂબ મહત્વની ભુમિકા રહેલી છે, તેમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ દ્વારા જણાવાયુ હોવાનુ, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાએ કહ્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે, ડાંગ પોલીસ દ્વારા જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા, તેમનો સર્વાંગી વિકાસ, અને તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવા, તેમજ જિલ્લામા આવતા સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટેના ખુબ જ ઉમદા પ્રયાસના ભાગરૂપે ત્રણ પ્રોજેકટ શરૂ કરવામા આવ્યા છે. (૧) પ્રોજેકટ દેવી, (ર) પ્રોજેકટ સંવેદના, અને (૩) પ્રોજેકટ પ્રવાસી મિત્ર.

પ્રોજેકટ દેવી અંગેની માહિતી આપતા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાના આદિવાસી સમુદાયમા હજુ પણ અંધશ્રધ્ધા પ્રવર્તે છે. ઓછુંl શિક્ષણ અને ગરીબીના કારણે હજુ પણ કેટલાંક લોકો, કોઇ પણ બિમારી વખતે, ડોકટર પાસે જવાને બદલે સ્થાનિક ભગત (ભુવા) પાસે જાય છે. કેટલાક પ્રસંગોમાં ભગત (ભુવા) દ્વારા તેમના કુટુંબ અથવા ગામની કોઇ વયોવૃધ્ધ મહિલા ઉપર ડાકણ હોવાની શંકા વ્યકત કરતા, આવી વયોવૃધ્ધ મહિલાઓ તેમના રોષનો ભોગ બનતી હોય છે. આવી મહિલાઓને પરિવાર/સમાજ અને ગામમાંથી તિરષ્કૃત કરવામા આવે છે.

અમુક પઘટનાઓમા ધાર્મિક વિધિના નામે તેમના ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામા આવે છે. આવા બનાવો બનતા અટકાવવા તેમજ આ કુરિવાજને નેસ્તનાબુદ કરવા માટે, ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “પ્રોજેકટ દેવી” શરૂ કરવામા આવ્યો છે.

જે અંતર્ગત જિલ્લાની She Team દ્વારા આવી ભોગ બનનાર કે કુટુંબ અથવા સમાજ અને ગામમાંથી તિરષ્કૃત થયેલી મહિલાઓની ઓળખ કરી, તેમની નિયમિત મુલાકાત લઇ, તેમના પ્રશ્નો સાંભળી, તેનુ નિરાકરણ કરવામા આવે છે. ઉપરાંત તેમને મહિલાઓ ઉપર થતા અત્યાચાર બાબતે કાયદાકીય જોગવાઇઓની સમજ પણ આપવામા આવે છે, અને જરૂર પડયે પોલીસ દ્વારા તેમનુ સંપૂર્ણ રક્ષણ, અને કાયદાકીય મદદ પુરી પાડવામા આવશે તેવું આશ્વાસન આપવામા આવે છે.

આવી પીડિત મહિલાઓને આયુષ્યમાન ભારત યોજના, પી.એમ. ઉજજવલા યોજનાઓ જેવી વિવિધ યોજનાઓનો લાભ પણ અપાવવામા આવે છે. તેમજ આ મહિલાઓને તેમના કુટુંબ અને સમાજ સાથે જોડવા માટે સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા પણ તેમના કુટુંબીજનો, ગ્રામજનો અને સામાજિક આગેવાનો સાથે બેઠકો યોજી, આવી અંધશ્રધ્ધા સંપૂર્ણપણે નાબુદ કરવા માટે સમજાવવામા આવે છે. જે કોઇ આવી અંધશ્રધ્ધાથી કોઇ મહિલા ઉપર માનસિક/શારિરીક ત્રાસ ગુજારતા માલુમ પડશે, તેમની વિરૂધ્ધમા કડક કાયદાકીય પગલા લેવાશે તેવી તાકીદ પણ કરવામા આવે છે.

પ્રોજેકટ સંવેદના’ વિશે માહિતી આપતાં શ્રી યશપાલ જગાણીયાએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લો આર્થિક રીતે પછાત જિલ્લો છે. આવકના સ્ત્રોત પણ ખુબ જ ઓછા છે. આવા સંજોગોમા જો કુટુંબના કોઇ મોભી (કમાનાર) વ્યકિતનુ અપમૃત્યુ થાય, તો તેના પરિવારનુ જીવન ખુબ જ દુષ્કર બને છે. આવા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ રાખી સંવેદના પ્રગટ કરી તેમની પીડાને હળવી કરવાના પ્રયાસરૂપે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “Comprehensive Victim Support System” ના ભાગરૂપે “પ્રોજેકટ સંવેદના” શરૂ કરવામા આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત જિલ્લાની She Team દ્વારા, અપમૃત્યુ પામેલ/ગંભીર ઇજા પામેલ વ્યકિતના ઘરે જઇ, તેમના પરિવારના સભ્યોની મુલાકાત લઇ, તેમને સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના, પી.એમ.ઉજજવલા યોજના, વિધવા સહાય યોજના, વીમા યોજનાઓ જેવી વિવિધ સંલગ્ન યોજનાઓનો લાભ મળે, તેવી વ્યવસ્થા કરવામા આવે છે. ઉપરાંત જો કોઇ કાનૂની વળતર મેળવવાના હકકદાર હોય તો તે દિશામા પણ માર્ગદર્શન આપવામા આવે છે.

ઉપરાંત જો કોઇ ગુનેગાર જેલમા લાંબી સજા ભોગવતો હોય, તો તેનો પરિવાર પણ કોઇ પણ રીતે દોષિત ન હોવા છતા, પરોક્ષ રીતે સજા ભોગવતો હોય છે, અને સામાજિક તિરસ્કારનો ભોગ બનતો હોય છે. જેના કારણે આવા પરિવારના માનસ ઉપર નકારાત્મક અસર થાય છે, અને ન્યાયિક સંસ્થાઓ પ્રત્યે રોષની ભાવના પેદા થતી હોય છે. જેથી આવી પરિસ્થિતિ નિવારવા માટે આવા પરિવારો પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવી, આવા પરિવારના બાળકો શિક્ષણ, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહી જાય, અને ગુનાહિત પ્રવૃતિ તરફ ન વળે તે માટે, આવા પરિવારોની ઓળખ કરી તેઓની નિયમિત મુલાકાત લઇ, તેઓની પાયાની અને પ્રાથમિક જરૂરિયાતો પ્રત્યે સભાનતા દાખવવામા આવે છે.

આ ઉપરાંત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અહીં આવતા સહેલાણીઓની સલામતી, અને સુરક્ષા સાથે તેઓને માર્ગદર્શન મળી રહે, તેમજ તેમની સુવિધાઓમા વધારો કરી શકાય તે હેતુથી ગ્રામ રક્ષક દળના સભ્યોને વિશેષ તાલીમ આપી “પ્રવાસી મિત્ર” પ્રોજેકટ શરૂ કરવામા આવ્યો છે.

Back to top button
error: Content is protected !!