સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકાના કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઇ.) એ પડતર પ્રશ્નો તેમજ ૧૫ માં નાણપંચ, ખેડુત નોંધણી, રેશનકાર્ડ કે.વાય.સી. નું મહેનતાણું જેવા વિવિઘ પ્રશ્નો અંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. વી.સી.ઇ.ના જણાવ્યા મુજ્બ ૧૫ મા નાણપંચની ગાઇડલાઈન મુજબ ૧૦ ટકા વહિવટી ખર્ચ માંથી વી.સી.ઇ.ને દર મહિનાના ૨૦૦૦ લેખે નક્કી કરેલા વર્ષના ૨૪૦૦૦ ચૂકવી આપવા માંગ કરી હતી.જો ૨૮ મી ઓક્ટોબર સુધીમાં નાણાં નહી ચુકવવામાં આવે તો ખેડુત નોંધણીની તમામ કામગીરી બંધ કરવામાં આવશે,વેરાની પાવતી દીઠ રૂપિયા ૧૦ ની ચુકવણી કરાવામાં આવે. આ ઉપરાંત વી.સી.ઇ.ના બાકી રહેલા પેમેન્ટ તેમજ કમિશનની ચુકવણી કરવામાં આવે. તેમજ રેશનકાર્ડ કે.વાય.સીનુ પેમેન્ટ ચૂકવવા માંગ કરી હતી. આમોદ તાલુકા વી.સી.ઇ.મંડળે પડતર પ્રશ્નો અંગે પણ રજુઆત કરી હતી.આ બાબતે આમોદ તાલુકા વી.સી.ઇ.ના ઉપપ્રમુખ સાગરસિંહ પઢિયારે જણાવ્યું હતું કે જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો અમે પંચાયતમાં નવી કોઈ કામગીરી કરવાના નથી તેમ તેઓએ જણાવ્યું હતું.