
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૨૭ : દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી તા. 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરવા કર્મચારી હિતલક્ષી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો તેમણે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવા માટે સૂચના આપી હતી. કચ્છમાં પણ જુદા – જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો આ સમય ગાળા દરમિયાન પગાર જમા પણ થઈ ગયો હતો. પ્રાથમિક શિક્ષકોનો પગાર પણ મોટા ભાગના તાલુકામાં જમા થઈ ગયો હતો. ભુજ તાલુકા પંચાયત કચેરી હિસાબી શાખા, શિક્ષણ શાખા અને સંગઠનના પ્રયાસોથી ભુજ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો કે જેમના ખાતા જે – જે બેંકોમાં છે ત્યાં ૨૩ ઓક્ટોબર, બુધવારના રોજ ચેક જમાં કરાવી દીધા હોવા છતાં આજ દિન સુધી બેંક ઓફ બરોડા, જ્યુબિલિ શાખા, ભુજમાં જેમના ખાતા છે એવા ૩૪૦ જેટલા શિક્ષકોનો પગાર હજુ સુધી જમાં ન થતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. દર વખતે અન્ય બેન્કોની સરખામણીએ પગાર જમાં કરવામાં આ બેંક ૨ – ૩ દિવસ મોડું કરે જ છે પણ આ વખતે વધુ મોડું થયું છે. બેંકના અણઘડ વહીવટના કારણે દિવાળીના સપરમાં પર્વ પગારના અભાવે શિક્ષકો જરૂરી ખરીદીથી વંચિત રહી જવા પામ્યા છે. આમ સરકારનો હેતુ આવા કર્મચારીઓના લીધે બર નથી આવતો. આ બેંક દ્વારા આમ જ વહીવટ ચાલશે તો તમામ શિક્ષકોને આ બેંકમાં ખાતા બંધ કરાવી અન્ય બેન્કોમાં ખાતા ખોલાવવાની નાછૂટકે ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.



