દિવાળીની રાત
દિવાળીની એ રાત મારા માટે ખૂબ જ સુંદર હતી.હું તારી સંગાથે હતી.તારામાં મને સાક્ષાત્ પ્રભુ જ દેખાતા હતા.મેં ત્યારે તને પહેલી જ વખત જોઈ હતી.તારો ગુલાબ જેવો કોમળ અને દૂધ જેવો સુંદર ચહેરો,એકદમ તારા ચહેરાને સુંદર બનાવે તેવું નાક,નાના પણ સુંદર લાગતા તારા કાન,કપાળ ઉપર એક અલગ જ તેજ,આંખોમાં એકદમ ચમક અને મને પામવાનો આનંદ તારા ચહેરા ઉપર એકદમ સાફ દેખાતા હતા. એકદમ ગોળ ચહેરો ને ગાલ ઉપર પડતા સુંદર ડિમ્પલ તારા ચહેરાની સુંદરતામાં વધુ વધારો કરતા હોય તેવું લાગતું હતું.જેટલી ખુશી મને જોઈને તારી અંદર હતી તેટલી જ ખુશી તને જોઈને મારી અંદર પણ હતી.તારી મારી ખુશી સદાય આમ જ રહે તે માટે આ પળને યાદગાર બનાવી દેવામાં આવ્યો અને આ પળને સૌ કોઈએ કેમેરામાં કેદ કરી લીધું. તારો મારા માટેનો જે પ્રેમ હતો તેને શબ્દમાં વર્ણવવું ખૂબ જ મુશ્કેલ છે.તે પ્રેમને આજ સુધી કોઈ વર્ણવી નથી શકયું.આવા નિસ્વાર્થ પ્રેમ સામે ઈશ્વર પણ વારંવાર નમ્યો છે.આ પ્રેમ એટલે એક માતાનો પોતાના બાળક માટેનો પ્રેમ.માતાના વાત્સલ્યને ક્યારેય કોઈ વર્ણવી શકયું નથી ન તો કોઈ વર્ણવી શકશે.
મારો જન્મ થયો ત્યારે દિવાળીની રાત હતી.મેં જ્યારે જન્મ લીધો અને પ્રથમ વખત મારી આંખ ખોલી ત્યારે મેં મારી મા નો પ્રેમાળ અને લાગણીસભર ચહેરો જોયો હતો.જેના પર ખુશીની લહર સાફ દેખાતી હતી. કોઈ પણ મા જ્યારે પોતાના પ્રથમ સંતાનનો ચહેરો જોવે છે ત્યારે તેના દિલની અંદરથી ખુશી છલકાઈ છલકાઈને બહાર આવે છે અને તે ફૂલી સમાતી નથી.મારી મા ને પણ મારા આવવાથી એટલી જ ખુશી મળી હતી.તે મારા જન્મતાંની સાથે જ એક ઉત્સવ જેવું વાતાવરણ કરી દીધું હતું.મારી માતા અને મારા પિતાએ મારો જન્મ થયો ત્યારે મારા આવવાની ખુશીમાં ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ ભજનના સૂરથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.મારા જન્મ સમયે અમારો આખો પરિવાર હાજર હતો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે જે રીતે ધામધૂમ થઈ હતી તેવી જ ધામધૂમ મારા જન્મ સમયે પણ થઈ હતી.મારા માતા પિતા અને પરિવારના લોકો ખુશી ખુશી બધાને કહેતા હતા કે અમારા ઘરે સાક્ષાત્ લક્ષ્મીજી આવ્યા છે.આખા ગામને અમારા ઘરે જમવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.અમુક ચુસ્ત પંડિત લોકો હતા તેઓ અમારે ત્યાં એવું કહીને જમવા નહોંતા આવ્યા કે સૂતક લાગે અમે તો જે ઘરમાં બાળક જન્મે તે ઘરનું પાણી પણ સવા મહિના સુધી ન લઈ.જો કે અમારો પરિવાર પણ બ્રાહ્મણ પરિવાર હતો પણ અમારા ઘરના લોકો આવી ખોટી માન્યતાઓમાં માનતા નહોંતા.તેઓ બધાને સમજાવતા કે કોઈ ઘરમાં બાળકનો જન્મ થવો તે તો ખુશીની વાત છે તો તે ઘરનું પાણી પીવાથી કે જમવાથી શું સૂતક લાગવાનું હતું.
મને ખૂબ ખુશી હતી કે મારો પરિવાર ખૂબ સારા વિચાર ધરાવનાર પરિવાર હતો.મને ગર્વ છે કે હું આવા ઉતમ વિચારો ધરાવતા પરિવારમાં જન્મ લઈને આવી છું.જ્યાં મારું સમ્માન દીકરી તરીકે તો થતું જ હતું પણ તેથીય વિશેષ સાક્ષાત્ માતા લક્ષ્મી તરીકે પણ મને માન અને સમ્માન મળે છે.મારા પરિવારના લોકોએ મારા જન્મ સમયે જે ભજન કીર્તનનો કાર્યક્ર્મ રાખ્યો હતો.તેનાથી મોટા થતાં મને એ ફાયદો થયો કે હું પૂર્ણ રીતે ભક્તિ ભાવમાં ડૂબી ગઈ.મારો પરિવાર પહેલેથી જ સંતો અને ભક્તોમાં માનતો હતો.મોટી થઇને મારામાં પણ તે જ ગુણો આવ્યા અને બીજી સૌથી સારી બાબત એ હતી કે અમને કળયુગમાં પણ અમારા ગુરુ જેવા વિરક્ત સંત મળ્યા.જેનો આનંદ મને આજીવન રહેશે.જ્યારે હું મોટી થઈ અને મેં મારા વિશેની આવી બધી વાતો જાણી ત્યારે મને અનહદ ખુશી થઈ.મેં પ્રભુનો અનેક વાર ઉપકાર માન્યો મને આવા સારા ઘરમાં જન્મ આપવા બદલ.
❤️❤️❤️ “Rup”