વાગરા: નકુચા ગેંગ સક્રિય, સુતરેલના બંધ મકાનમાંથી લાખોની મત્તા ઉપર હાથફેરો થયો હોવાની માહિતી
સમીર પટેલ, ભરૂચ
બનાવ અંગે સૂત્રો થકી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળીયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાંને અંજામ આપ્યો હતો. ઘરમાં રહેલા ઘરેણાં સહીત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઇ છે. જોકે ઘરની બહાર લાગેલ CCTV કેમેરામાં તસ્કરોની કરતૂટ કેદ થવા પામી હતી. જેમાં 3 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરવા આવે છે. અને ઘરની બહાર લાગેલ CCTV કેમેરો તોડી નાખે છે. પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે. ઘટનાની જાણ થતાંજ મકાન માલિક તાબડતોબ સુતરેલ ખાતે દોડી જઇ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જોકે આ લખાય રહ્યું છે. ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ માહિતી નોંધાવા પામી ન હતી. ગત 16 નવેમ્બરના રોજ પણ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારડાતને અંજામ આપી પલાયન થઇ ગયા હતા. જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિસે આજદિન સુધી માહિતી મળી નથી.