
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૦૬ ડિસેમ્બર : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે આયોજીત કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન/સહાય વિતરણના “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રીના હસ્તે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી “વિકાસ સૌરભ” વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.વંચિતોના સાતત્યપૂર્ણ ૩૬૦ ડિગ્રી વિકાસના નિર્ધાર સાથે કાર્ય કરતી રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિકાસ માટે અમલી કરાયેલી શૈક્ષણિક, આવાસકીય, સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી જેવી તમામ યોજનાઓની આવશ્યક માહિતીનો “વિકાસ સૌરભ” પુસ્તિકામાં સમન્વય છે. ડો.બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિને વિમોચન કરાયેલી “વિકાસ સૌરભ” પુસ્તિકાના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા અમલી કરાયેલી યોજનાઓની માહિતીની પહોંચ વધુમાં વધુ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે અને જરૂરીયાતમંદ વંચિતો આ યોજનાઓનો લાભ લઇને તેમનો જીવનપથ વધુને વધુ સુગમ બનાવી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે તે છે. “વિકાસ સૌરભ”માં શૈક્ષણિક, આવાસકીય, સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી યોજનાઓ સાથે ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમની યોજનાઓની માહિતી સાથે રાજય સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોના કારણે યોજનાકીય લાભથી જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનાર લાભાર્થીઓની પ્રેરણાદાયી સાફલ્ય ગાથાઓ પ્રકાશિત કરવામાં આવી છે. ઉપરાંત આદર્શ નિવાસી શાળાઓની યાદી, સરનામા, સરકારી કુમાર-કન્યા છાત્રાલયની યાદી, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ઓનલાઇન યોજનાઓની યાદી સહિતની વિગતોનો સમાવેશ કરાયો છે.





