
તિલકવાડા : બહારથી આવતા લોકો હેરણ નદીના પટમાં ગેરકાયદે ખેતી કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
રાજકીય આગેવાનો પંચાયતની પરવાનગી વગર બહારના લોકોને ખેતી કરવા દે છે : ગ્રામજનોનો આક્ષેપ
રાજપીપલા : જુનેદ ખત્રી
તિલકવાડા તાલુકાના સેવાડા જૂથ ગ્રામ પંચાયતના હદમાં આવતા હેરણ નદીના પટમાં કેટલાક બહારથી આવતા લોકો ગેરકાયદેસર રીતે શાકભાજીની ખેતી કરતા હોવાની ગ્રામજનોએ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે
આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે તિલકવાડા તાલુકાના સેવાડા જૂથ ગ્રામ પંચાયતના હદમાં આવતા હેરણ નદીના પટમાં કેટલાક બહારથી આવતા લોકો શાકભાજીની ગેરકાયદેસર ખેતી કરે છે ઉપરાંત ખેતીના ભાડાના પૈસાથી કેટલાક રાજકીય આગેવાનો પોતાના ખિસ્સા ભરતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે ખેતી કરતા લોકો રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ કરે છે જેના કારણે નદીનું પાણી પ્રદૂષિત થાય છે અને ઢોર ઢાકર આ પાણી પીએ છે જે નુકસાનકારક છે ઉપરાંત સ્મશાન જવાનો રસ્તો આ ખેતી કરવા વાળાઓએ બિસ્માર બનાવી દીધો છે જેનાથી ગ્રામજનોને ભારે તકલીફ વેઠવી પડે છે
ઉપરાંત જિલ્લા બહારના લોકો અજાણ્યા હોય કોઈ અનહોની થવાની પણ સંભાવના ગ્રામજનોએ દર્શાવીને ચિંતા વ્યક્ત કરી છે ત્યારે બહારના લોકો ખેતી કરતા અટકે તેમજ નદીનો પટ સચવાય અને ગ્રામજનોને પડતી તકલીફ દૂર થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે



