GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં કાઠિયાવાડ બાલાશ્રમ થકી અનાથ બાળકને મળ્યું પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું

તા.૧૮/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

“૧૪ વર્ષના પુત્રને ગુમાવ્યા બાદ બાળક મળતા મારો ખાલી ખોળો ફરી ભરાઈ ગયો છે.” – માતા પ્રાંત અધિકારીશ્રીના હસ્તે દંપતીને બાળક સોંપાયું

Rajkot: નવજાત બાળક માટે પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું એટલે માતા પિતા, જેમના સાનિધ્યમાં રહીને બાળકને સંસ્કાર, શિક્ષા અને કેળવણી આપવામાં આવે છે. આ સાનિધ્ય રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમમાં આશ્રિત બાળકને મળે તે માટે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અનાથ બાળકોની પુન: સ્થાપન માટે સતત કાર્યરત રહે છે. જે અન્વયે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં રહેતા બાળકને માતા પિતાનું સાનિધ્ય અને પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું પ્રાપ્ત થયું હતું.

પ્રાંત અધિકારીશ્રી મહેક જૈનના હસ્તે જૂની કલેકટર કચેરી સ્થિત પ્રાંત અધિકારીની કચેરી ખાતે માતા-પિતાને બાળક સોંપવામાં આવ્યું હતું. સરકારના એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ જિલ્લા કક્ષાએ દત્તક અધિગ્રહણનાં કેસો ચલાવવા માટેની સત્તા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી ચાંદનીબેન પરમારે બાળકના પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર અન્વયે થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી હતી.

પ્રાંત અધિકારીશ્રી મહેક જૈનના હસ્તે માતા-પિતાને જયારે બાળક સોંપવામાં આવ્યું ત્યારે વાલી ખુબ જ લાગણીવશ થયાં હતા. અને તેઓ માટે જાણે તેમનો પરિવાર સંપૂર્ણ થયો હોય તેવો અનુભવ થયો હતો. બાળકને માતા-પિતાનો સાથ મળતા લાગણીસભર માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે બાળકની માતાએ જણાવ્યું હતું કે, “મારા સંતાનનું નિધન થવાથી હું ખુબ જ હતાશ થઈ હતી ત્યારબાદ મારા પરિવારે બાળકને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. ૧૪ વર્ષના પુત્રને ગુમાવ્યા બાદ બાળક મળતાં મારો ખાલી ખોળો ફરી ભરાઈ ગયો છે.

આ તકે બાળ કલ્યાણ સમિતિ રાજકોટ ના ચેરમેન શ્રી ડો. પ્રિતેશ પોપટ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ. એમ. રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો. અલ્પેશ ગોસ્વામી, કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાના અધિક્ષકશ્રી જ્યોત્સનાબેન અજુડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!