
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૦ ડિસેમ્બર : નખત્રાણા પશ્ર્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિધાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય છારી ઢંઢ મધ્યે તા. ૧૮/૧૨/૨૪ થી ૧૯/૧૨/૨૪ સુધી એમ બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવેલ હતી. તા. ૧૮/૧૨ ના રોજ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ મધ્યે વન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનુ આવકાર સહ અભિવાદન કરવામાં આવેલ હતુ. રજીસ્ટ્રેશનની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ છારી ઢંઢ વિશેની રસપ્રદ પ્રાથમિક માહિતી પી.પી.ટી. ના માધ્યમથી વન રક્ષક દિલીપસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવેલ હતી. સાથે સાથે પક્ષીઓ, પ્રકૃતિ , વન અને વન્ય જીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિધાર્થીઓ શુ કરી શકે એ અંગેની ફરજોની વાત પણ કરવામા આવેલ હતી. બપોરના ભોજન પછી થોડા વિરામ બાદ સાંજે વોચ ટાવર અને નાના ટ્રેક પર વિધાર્થીઓને લઈ જઈ વિવિધ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનુ નિરીક્ષણ કરાવી વિશેષ સમજણ આપવામાં આવેલ હતી. રાત્રીના ભોજન બાદ બોન ફાયર વખતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહ કુદરતના ખોળે વિધાર્થીઓએ રાસ ગરબાની રમઝટ પણ જમાવી હતી. બીજા દિવસે વહેલી સવારે આહલાદક વાતાવરણમાં ગુલાબી ઠંડી વચ્ચે સૂર્યોદયના સમયે કીરો ડુંગરની તળેટીમાં હજારોની સંખ્યામાં બેઠેલી અને ઉડતી કુંજોને નિહાળવી એ એક નયનરમ્ય અને અદભુત નજારો હતો. જેને સૌ વિધાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં મન ભરીને માણ્યો હતો. ત્યાથી પાછા ફર્યા બાદ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં સાફ સફાઈ કરી પર્યાવરણને પ્લાસ્ટીક મુકત તેમજ સ્વચ્છ સુધડ રાખવાનો સૌ વિધાર્થીઓ સહ શિક્ષકોએ સંકલ્પ લીધેલ હતો. તા. ૧૯/૧૨ ના રોજ આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વન વિભાગ દ્વારા વિદાય આપવામા આવેલ હતી. આ શિબિરે વિધાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ પેદા કરી તે તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં ખૂબ જ સહાયક નિવડશે. સમગ્ર શિબિરનુ આયોજન શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફીસર અલ્પેશભાઇ જાનીએ કરેલ હતુ. આ શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી તેમજ ભૂમિબેન વોરાએ સાથે જોડાઇ વિશેષ સહયોગ આપેલ હતો.






