
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વલસાડ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ઉંમરગામ તાલુકામાં ઘણા આદિવાસી યુવાનો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા આવેલ છે,પરંતુ સીધાસાદા અને ભલાભોળા સ્વભાવના આદિવાસી રીક્ષાચાલકોને કેટલાંક અસામાજિક તત્વો છાશવારે હેરાન કરતા હોય અને પેસેન્જર ભરવા માટે હપ્તો ઉઘરાવતા આવેલ હોવાની વાત ઉંમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના અઘ્યક્ષ મનીષભાઈ હળપતીને ધ્યાને આવતા તેમણે તાત્કાલિક આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપના કરી હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામથી સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને અરેઠથી યુવા ટાયગર સેના રાષ્ટ્રીય અઘ્યક્ષ મનીષ શેઠ,વલસાડના મયુર પટેલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,મયુર,સુનિલ,કાર્તિક,કિરણ વસાવા,આદિલ શાહ,એસકે વસાવા વગેરે હાજર રહ્યા હતાં.આ કાર્યક્રમમાં યતીનભાઈની ઉંમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના ઉપપ્રમુખ તરીકે અને હસમુખભાઈ વાડિયાની સર્વાનુમતે રીક્ષા યુનિયનના પ્રમુખ તેમજ દિલીપભાઈની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી.આ યુનિયનની સ્થાપના સમયે જ 300 જેટલાં રીક્ષા ચાલકો સભ્ય તરીકે જોડાયા હતાં.અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ પહેલનો પડઘો ઉંમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં ખુબ સારો પડશે એવો આશાવાદ વ્યક્ત કરેલ હતો અને સંગઠન લાંબા સમય સુધી ચાલે એ માટે પ્રામાણિકતા અને નીતિમત્તાથી ચાલવાની અને કાયદાવ્યવસ્થાનું પાલન કરવાની સૂચના આપી હતી.તેમજ જયારે પોતે સાચા હોઈએ ત્યારે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી એવી હિંમત આપેલ હતી તેમજ તમામ જાતિ,ધર્મ,સંપ્રદાયના લોકો પ્રત્યે સમાનતા,બંધુતા અને મદદરૂપ થવાની ભાવના રાખવાનો અનુરોધ કર્યો હતો.કાર્યક્રમના અંતે હાલમાં મૃત્યુ પામેલ રીક્ષાચાલકના પરિવારજનો માટે ઉપસ્થિત મહાનુભાવો અને રીક્ષાચાલકોએ મળીને ઝોળીફાળો કરી મોટી ધનરાશી જમા કરાવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન વિનોદભાઈ,સંદીપભાઈ,ચેતનભાઈ,ગુલાબભાઈ તેમજ ઉંમરગામ તાલુકા સંઘર્ષ સમિતિના તમામ સભ્યોએ બખુબી નિભાવ્યું હતું.




