GUJARATKUTCHMANDAVI

કરૂણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત સ્ટાર્ટ અપ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ.

૧૦ દિવસ સુધી ૨૪ કલાક કાર્યરત પક્ષી બચાવ આઈ.સી.યુ. યુનિટને ખુલ્લું મૂકાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી સહિત વન વિભાગ, પશુપાલન વિભાગના અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

ભુજ, તા -૧૦ જાન્યુઆરી : રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં આયોજિત કરૂણા અભિયાન ૨૦૨૫ અન્વયે સ્ટાર્ટ અપ પ્રોગ્રામનો પ્રારંભ ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકીએ પશુપાલન દવાખાના ભુજ ખાતેથી કરાવ્યો હતો. ૧૦ જાન્યુઆરીથી લઈને ૨૦ જાન્યુઆરી સુધી ૨૪ કલાક કાર્યરત પક્ષી બચાવ આઈ.સી.યુ. યુનિટને મહાનુભાવોએ રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું.  કરૂણા અભિયાન ૨૦૨૫ સ્ટાર્ટ પ્રોગ્રામ નિમિતે પ્રાંસગિક પ્રવચન કરતા ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મનુષ્યોની ઉત્તરાયણ પર્વની ક્ષણિક મજા પક્ષીઓ માટે મોતનું કારણ બને નહીં તે રીતે ઉજવણી કરવી જોઈએ. સરકાર જ નહીં પણ સેવાભાવી સંસ્થાઓએ સામૂહિક રીતે એકબીજાના સહકારથી પક્ષી બચાવ અને સારવાર માટેના પ્રયાસો કરવા જોઈએ. ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવના કાર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને નાગરિકોને તેમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ મનુષ્યો માટે અતિ જોખમી હોય તેના ઉપયોગને ટાળવા અને આવા ગેરકાયદેસર વેચાણ સામે કાયદાકીય પગલા લેવા માટે જણાવ્યું હતું.સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણાએ વન વિભાગની કરૂણા અભિયાનની કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. આર.ડી. પટેલે પશુપાલન વિભાગ દ્વારા ઊભી કરાયેલી પક્ષીઓના સારવાર માટેની સુવિધાઓ વિશે જાણકારી આપીને વહેલીતકે ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, પક્ષીઓ વહેલી સવારે અને સાંજે સૂર્યોદય બાદ વધારે પ્રમાણમાં આકાશમાં વિચરતા હોય છે તો આ સમયગાળામાં દરમિયાન પતંગ નહીં ઉડાવવા નાગરિકોને નાયબ પશુપાલન નિયામકશ્રીએ અપીલ કરી હતી.આ સ્ટાર્ટ અપ પ્રોગ્રામમાં ભુજ લોહાણા મહાજનના પ્રમુખશ્રી ડૉ. મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉત્તરાયણના પર્વ નિમિત્તે કરૂણા અભિયાન ચલાવી રહી છે ત્યારે લોહાણા મહાજન સંસ્થાને પણ તેના સહભાગી બનીને સંવેદના દાખવવાનો અવસર પ્રાપ્ત થયો છે. કરૂણા અભિયાનમાં લોહાણા મહાજન દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને સહયોગ આપવામાં આવશે એમ ખાતરી પ્રમુખશ્રીએ આપી હતી. આ કરૂણા અભિયાનમાં રોટરી ક્લબ, ભુજ બાર એસોસિએશન, દિપક ટી, કચ્છ પત્રકાર સંગઠન, અખિલ કચ્છ રઘુવંશી ગ્રૂપ, કોર્મશિયલ બેંક અને ભુજ નગરપાલિકા જેવી સંસ્થાઓ પણ સહયોગ આપશે.આ સ્ટાર્ટ અપ પ્રોગ્રામમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, કોરાબારી સમિતિના ચેરમેનશ્રી મહિદિપસિંહ જાડેજા, મહાજનના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી સર્વેશ્રી દિલિપભાઈ ઠક્કર, શ્રી કલ્પેશભાઈ ઠક્કર, શ્રી જયસુખભાઈ માણેક, શ્રી ચેતન ઠક્કર, શ્રી જયેશ ઠક્કર, શ્રી બાલકૃષ્ણ ઠક્કર, શ્રી જયેશભાઈ સચદે, શ્રી દેવેન્દ્રભાઈ ઠક્કર, શ્રી મીત ઠક્કર, શ્રી પ્રફુલભાઈ ઠક્કર, શ્રી નીલભાઈ સચદે, શ્રી અનિલભાઈ જોશી, કરૂણા અભિયાનના નોડલ ઓફિસર અને પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષકશ્રી જી.ડી. સરવૈયા, પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, પશુપાલન વિભાગના તબીબશ્રી ડૉ. જી.ડી.પરમાર, એલ.આઈ.બી પીઆઈશ્રી પી.બી.ગઢવી સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!