
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૨ જાન્યુઆરી : મુંદ્રાના દરિયાકિનારે વસતા લુણીગામમાં આજીવિકા માટે લોકોને અસામાન્ય સંઘર્ષોનો સામનો કરવો પડે છે. તેમાંય માછીમાર સમુદાયના લોકો વિશે તો કહેવું જ શું? અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર(AVMB) આ વંચિત સમુદાયના બાળકોને શિક્ષણ થકી આત્મનિર્ભર બનાવવા ભરસક પ્રયાસો કરી રહ્યું છે. જન્મથી અંશતઃ જોઈ શકતી એક દિકરીના જીવનમાં અજવાળા પાથરવા અદાણી વિદ્યામંદિરએ કરેલા પ્રયાસો આજે રંગ લાવ્યા છે. ત્રણ બહેનોમાં સૌથી નાની રેલિયા સમીના રફીકભાઈ એવા પરિવારમાં જન્મી જ્યાં સપનાઓ રોજિંદા જીવનના સંઘર્ષમાં ભૂલાઈ જતા હોય છે. માછીમાર પિતા અને ગૃહિણી માતાના સંસાધનો પરિવારનું ભરણપોષણ કરવામાં ટૂંકા પડતા હતા. વળી જન્મજાત મોતિયાથી ઢંકાયેલી સમીનાની આંખોએ તેની દુનિયા જાણે અંધકારમય બનાવી દીધી હતી. જોકે તેના અંધકારમયમાં પ્રકાશ પાથરવા અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરે કમર કસી લીધી. પહેલા ધોરણમાં સમીનાએ અદાણી વિદ્યામંદિરમાં પગ મૂક્યો ત્યારથી જ સમીનાનું જીવન બદલાવા લાગ્યું. સમીના માટે AVMB એ માત્ર એક પગથિયું નહોતું પણ ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્યનો પાયો હતો. AVMB એ સમીનાના સંઘર્ષોને પોતાના બનાવી તેના જીવનમાં પરિવર્તન લાવવાનું મિશન હાથ ધરી લીધું. AVMB દ્વારા આયોજિત આરોગ્ય શિબિરોમાં સમીનાની શારિરીક અને માનસિક સ્થિતિનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવતું. તેના માતાપિતાને આંખની સર્જરીની જરૂરિયાત વિશે શંકા-કુશંકાઓ દૂર કરવા સલાહ આપવામાં આવી હતી. શિક્ષકોએ સંઘર્ષના સૌથી મુશ્કેલ તબક્કા દરમિયાન પણ તેનું શિક્ષણ ચાલુ રાખ્યું. આખરે નવેમ્બર- 2024માં મોતિયાની શસ્ત્રક્રિયા માટે તેના પરિવારે મંજૂરી આપી અને પછી જે બન્યું એ જાણે ચમત્કાર જ હતો. મોતિયાની સફળ સર્જરી બાદ સમીનાની આંખો સામેના અંધારા દૂર થયા, હવે તે નરી આંખે રંગીન દુનિયાનો નજારો માણી શકે શકે છે. દિકરીનું દર્દ દૂર થતા સમીનાના માતા-પિતાનો હરખ સમાતો નહતો. કરુણા, સમર્પણ અને અવિરત પ્રયાસો અંધકારમાં ડૂબેલ જીવનમાં કેવી રીતે પ્રકાશ ફેલાવી શકે છે તેનું આ ઉત્તમ અને ઉમદા ઉદાહરણ છે. સાતમા ધોરણની વિદ્યાર્થિની સમીના આજે તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહી છે. પ્રથમ સર્જરીની સફળતાથી પ્રોત્સાહિત અદાણી વિદ્યામંદિર એ સમીનાની બીજી આંખના મોતીયાનું ઓપરેશન કરાવવા પણ માર્ગદર્શન આપ્યું અને તે આગામી દિવસોમાં એ પાર પડાશે. શાળાએ સમીનાને મફત ગણવેશ, પાઠ્યપુસ્તકો, નોટબુક, પૌષ્ટિક ભોજન અને પરિવહન-સુનિશ્ચિત કર્યું જેના થકી તેનું શિક્ષણ અવિરત અને સુલભ બન્યું છે.અદાણી વિદ્યામંદિરનો આભાર માનતા સમીનાના માતા-પિતા જણાવે છે કે, “અદાણી વિદ્યામંદિર માત્ર એક શાળા જ નથી; તે એક એવો પરિવાર છે જે સપનાઓને પોષે છે અને જીવનમાં પરિવર્તન લાવે છે,” તેની માતા કૃતજ્ઞતાના આંસુ સાથે શાળાના પ્રયાસોને બિરદાવી રહી છે. અંધકારથી પ્રકાશ તરફની તેની આ ગાથા અદાણી વિદ્યામંદિર ના સર્વાંગી શિક્ષણની ફિલસૂફીનું પ્રમાણપત્ર છે. સાતમા ધોરણની વિદ્યાર્થિની સમીના આજે તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહી છે.




