ભરૂચ શહેરના દહેજ અને ભરૂચને જોડતા સ્ટેટ હાઇવે પર આજે બપોરના સમયે એક અજબ દૃશ્ય સર્જાયું હતું. બે આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ છેડાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના દહેજ અને ભરૂચને જોડતા સ્ટેટ હાઇવે પર આજે બપોરના સમયે એક અજબ દૃશ્ય સર્જાયું હતું. બે આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ છેડાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના ભરૂચ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરે છે. શહેરમાં પશુ માલિકો દ્વારા તેમના પશુઓને જાહેર માર્ગો પર છૂટા મૂકી દેવામાં આવે છે, જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
સ્થાનિક લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરોને પાંજરાપોળમાં મૂકવાની માંગ સાથે લોકોએ પશુપાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ અને સ્થાનિક તંત્રની નબળી કામગીરીને કારણે આ સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય છે, જે શહેરના નાગરિકોની સલામતી માટે ચિંતાનો વિષય બની રહી છે.



