લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અધિકારી – કર્મચારીઓ તથા મતદારોને સન્માનિત કરાયા
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અધિકારી – કર્મચારીઓ તથા મતદારોને સન્માનિત કરાયા
તાહિર મેમણ – આણંદ – 25/01/2026 – ૧૫ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે વિદ્યાનગર સ્થિત બી.વી.એમ. કોલેજ ખાતે કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે જિલ્લા કલેકટરશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાના દિન તા. ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ ને ધ્યાને લઈ આ દિવસને ૨૦૧૧ ના વર્ષથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે “Nothing Like Voting, I Vote for Sure” (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ) થીમ પર મતદાતા દિનની ઉજવણી થઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. આ પ્રસંગે તેમણે ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કરતાં જણાવ્યું હતું કે, બંધારણ થકી આપણને ૧૮ વર્ષની ઉંમરથી જ મતાધિકાર મળ્યો છે. તેના ઉપયોગ થકી લોકશાહીને મજબૂત બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, બી.એલ.ઓ. સહિતના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી – કર્મચારીઓનું તેમજ દિવ્યાંગ, વયોવૃદ્ધ, થર્ડ જેન્ડર, યુવા મતદાર, કેમ્પસ એમ્બેસેડર વગેરેનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મતદાર જાગૃતિ અંગેનું નાટક પણ યોજવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણી આયોગના સંદેશને લોકોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી નિહાળ્યો હતો. આ તકે ઉપસ્થિત સૌ એ મતદાર જાગૃતિ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.