NATIONAL

સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: શંકરાચાર્ય

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રયાગરાજના મહાકુંભમાં સનાતન બોર્ડની રચના તેમજ વક્ફ બોર્ડના વિરોધમાં યોજાયેલી ધર્મ સંસદ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેમને આમંત્રણ જ મળ્યું નથી. તેમણે કહ્યું કે, ‘મારી પણ ઇચ્છા છે કે, સનાતન બોર્ડની રચના થાય, પરંતુ આ પ્રકારના ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના ન થઈ શકે. શંકરાચાર્યો અને આચાર્યો વગર ધર્મ સંસદમાં આવો નિર્ણય કેવી રીતે થઈ શકે. અમે પણ સનાતન બોર્ડની રચના કરવાની માંગથી સંમત છીએ, પરંતુ આચાર્યો દ્વારા જ આ બોર્ડ બનાવવું જોઈએ. ધર્માચાર્યો જ તેનું સંચાલન કરે. બોર્ડ સાથે સરકારને કોઈ લેવાદેવા ન હોવા જોઈએ.’

શંકરાચાર્યએ દાવો કર્યો છે કે, જો સરકાર બોર્ડ બનાવશે, તો તેની સ્થિતિ પણ વકફ બોર્ડ જેવી થશે. આપણે મુસ્લિમો પાસેથી કંઈ શીખ્યા નથી. વક્ફ બોર્ડ બનાવ્યા બાદ પણ મુસ્લિમોએ પર્સનલ લૉ બોર્ડ બનાવ્યું હતું. વક્ફ બોર્ડ ખતમ કરવાની માંગને પણ મારું સમર્થન છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત અંગે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમને આશા હતી કે, તેઓ મહાકુંભમાં આવીને કોઈ મોટી જાહેરાત કરશે. તેઓ ગૌ હત્યા મુદ્દે કાયદો બનાવવાની જૂની માંગ પૂરી કરશે. ગાયને પશુના બદલે રાષ્ટ્રીય માતા જાહેર કરાશે. જોકે તેમણે હજુ સુધી આવું કર્યું નથી. અમે તેમની મુલાકાત પૂર્ણ થવા સુધી રાહ જોઈ રહ્યા છીએ.’

Back to top button
error: Content is protected !!