AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

સિવિલ હોસ્પિટલના સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડો-અમેરિકન વર્કશોપ, બે બાળાઓની જટીલ સ્કોલિયોસીશ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં આવેલી સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમેરિકન તબીબોના સહયોગથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંતરરાષ્ટ્રીય તબીબી નિષ્ણાતોએ ભાગ લીધો. વર્કશોપના ભાગરૂપે મધ્યપ્રદેશ અને ગુજરાતની બે બાળાઓ પર અતિ જટિલ સ્કોલિયોસીશ (ખૂંધ) સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી.

ગત 9 અને 10 જાન્યુઆરીએ યોજાયેલા આ વર્કશોપમાં કરોડરજ્જુમાં ઉદ્ભવતી ખામીઓના નિવારણ માટે વિશેષ તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ અભિયાનમાં અમેરિકાની સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના નિષ્ણાત પીડિયાટ્રિક સ્પાઇન સર્જન ડૉ. વિરલ જૈન, ડૉ. હર્ષ પટેલ અને તેમની ટીમે ભાગ લીધો હતો. ગુજરાત તરફથી, સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને નિષ્ણાત ડૉ. પિયુષ મિત્તલ, ડૉ. પ્રેરક યાદવ અને ડૉ. રીમા વણસોલાની ટીમે સહયોગ આપ્યો હતો.

વિનામૂલ્યે અત્યાધુનિક સર્જરી

આ પ્રકારની જટિલ સ્કોલિયોસીશ સર્જરી ખાનગી હોસ્પિટલોમાં 6 થી 8 લાખ રૂપિયાના ખર્ચે થાય છે, જ્યારે સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તે વિનામૂલ્યે કરવામાં આવી. અમેરિકી તબીબોએ આ માટે અદ્યતન સાધનો, ન્યુરોટ્રાન્સમિટર મોનિટર અને કિંમતી ઇમ્પ્લાન્ટસ પણ સંપૂર્ણપણે મફત પૂરાં પાડ્યાં.

દર વર્ષે વર્કશોપ યોજવા કરાર

આ સફળતા બાદ હવે દર વર્ષે આવા આંતરરાષ્ટ્રીય સહયોગથી સર્જરી શિબિરો યોજવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ પગલાંથી રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે અને ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને ઊચ્ચતમ ગુણવત્તાની સારવાર વિનામૂલ્યે મળી રહેશે.

જટિલ સર્જરી અને તેની પડકારો

સ્કોલિયોસીશ સર્જરી દરમિયાન કરોડરજ્જુ અને નસોના સ્નાયુતંત્રને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડે છે. 5 થી 6 કલાક સુધી ચાલતી આ સર્જરીમાં ન્યુરોમોનીટરીંગની સતત જરૂર પડે છે, અને નસોને નુકસાન થવાના જોખમને ધ્યાનમાં રાખીને સર્જનશાસ્ત્રીઓ દ્વારા અત્યંત કાળજીપૂર્વક કામગીરી કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલના સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે કુલ 15 જેટલી સફળ સ્કોલિયોસીશ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ નવી ભાગીદારી દ્વારા વધુ દર્દીઓને જીવનની નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!