ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ વલાસણ ગામમાં ૫૧ યુગલોની સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું

આણંદ વલાસણ ગામમાં ૫૧ યુગલોની સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું

તાહિર મેમણ – આણંદ – 07/02/2025 – નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સેલીંગ કરી તેઓને લગ્ન જીવનની સફળતા અંગે સમજ આપવામાં આવી હતી.
સીયારામ ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીને અનોખી પહેલ કરવામાં આવી

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન જીવનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, તેને સાર્થક કરવા માટે સીયારામ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા આણંદ તાલુકાના વલાસણ ગામમાં ૫૧ યુગલોની વિના મૂલ્યે ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલા લગ્નોત્સવ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવત ચરણ સ્વામી તેમજ અન્ય સંતો ખાસ ઉપસ્થિત રહીને નવ યુગલોને આશીર્વાદ આપ્યાં હતાં. સીયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દિપાલીબેન ઈનામદાર અને વિશાલભાઈ ઈનામદાર સમગ્ર આણંદ વિસ્તાર ૫૧ યુગલોની વિના મૂલ્યે ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરાવીને અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ઈનામદાર કુટુંબ ૫૧ દીકરીઓની વિદાય આપવાની વેળાએ ભાવુક બન્યું હતું.
આ પ્રસંગે સીયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઈનામદારે જણાવ્યું હતું કે, દીકરીએ વ્હાલનો દરિયો છે અને ઈશ્વરનું સ્વરૂપ છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર રિદ્ધિ-સિદ્ધિથી પરિપૂર્ણ હોય છે. 51 દીકરીઓને વિનામૂલ્યે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તે પણ ઈશ્વરીય કૃપા છે. સીયારામ ફાઉન્ડેશન હંમેશા માટે માનવ ઉત્થાન અને રચનાત્મક કાર્યક્રમ કરવા માટે કટિબદ્ધ છે. આવનાર સમયમાં માનવ સમુદાયનું કલ્યાણ થાય તે દિશામાં કામ કરવામાં આવશે. 51 દીકરીએ પ્રભુતાના પગલાં પાડીને પોતાનું દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી અને તેઓના સુખાકારી માટે આશિર્વાદ આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રસંગે દીકરીઓને જીવન જરૂરિયાતની તેમજ ઘરવખરીની તમામ ચીજો સીયારામ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી. દીપાલીબેન ઈનામદાર દ્વારા જે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે, હું મારી દીકરીના લગ્ન ત્યારે કરાવીશ જ્યારે હું ૧૦૧ દિકરીઓનું કન્યાદાન કરાવીશ, જે સંકલ્પ આજે પરિપૂર્ણ થયો.

પ્રી વેડીંગ અને પોસ્ટ વેડીંગ કાઉન્સેલીંગ કરવાની અનોખી પહેલ કરવામાં આવી
આ સમૂહ લગ્નની એક ખાસ વિશેષતા હતી જેમાં સમુહ લગ્ન પહેલાં નવ યુગલ પોતાનાં લગ્ન જીવનને સફળ બનાવી શકે તે માટે વર કન્યાને પ્રી વેડીંગ અને પોસ્ટ વેડીંગ કરવાની અનોખી પહેલ કરવામાં આવી હતી. નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સેલીંગ કરી તેઓને લગ્ન જીવનની સફળતા અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત નવા વર્ષમાં સંસ્થા દ્વારા નવા અભિગમોમાં આજુબાજુના દરેક ગામડાઓના તળાવોની સાફ-સફાઈ કરી અને સ્વચ્છતા તરફ આગળ વધવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કોંગ્રેસ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજે ખાસ હાજરી આપીને લાઈવ પરફોર્મન્સ કરીને ગીતોની રમઝટ બોલાવી હતી.

Back to top button
error: Content is protected !!