શિક્ષક દિનના રોજ સ્ક્રિપ્ટ રાઈટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

શિક્ષક દિનના રોજ એલિસબ્રીજ ટાઉનહોલ પાસે આવેલી એમ. જે. લાયબ્રેરી ખાતે લાયબ્રેરીના વાચકો, શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશનના સભ્યો તેમજ રસ ધરાવતા તમામ લોકો માટે એક આખા દિવસની પ્રેક્ટિકલ સ્ક્રિપ્ટ રાઈટિંગ વર્કશોપનું આયોજન શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન તથા એમ. જે, લાયબ્રેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નવોદિતોથી લઈ સિધ્ધહસ્ત લેખકોએ પણ ઉમળકાભેર ભાગ લીધો. સવારે સાડા દસના સુમારે એમ. જે. લાયબ્રેરીના ગ્રંથપાલ શ્રી બિપીનભાઈ મોદીએ દિપપ્રાગટ્ય કરી શિબિરનો શુભારંભ કર્યો. શિબિરાર્થીઓને ઘરેથી એક પાનામાં ફિલ્મની વાર્તા લખી લાવવાનું કહેવામાં આવ્યું હતું. જાણીતા લેખક, દિગ્દર્શક અને નિર્માતા તેમ જ સમગ્ર વર્કશોપના પ્રોગ્રામ લિડર શ્રી રમેશ કરોલકરે ફિલ્મની વાર્તામાં કયા સાત ઘટક ખાસ હોવા જોઈએ એની વિસ્તૃત સમજણ આપી પાંચ પાંચના ગૃપ પાડી દરેક શિબિરાર્થીઓની વાર્તાઓનું પોતપોતાના ગૃપમાં વાચન કરાવી એમની વાર્તામાં કયા કયા ઘટક ખૂટતાં હતા એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સ્ટોરી અને પ્લોટમાં શું તફાવત છે એને લગતી એક સુંદર બુધિગમ્ય રમત પણ રમાડવામાં આવી જેમાં એક સરખા ઈન્ડેક્ષકાર્ડથી અલગઅલગ ગૃપોએ ખૂબ જ ટૂંકા સમયમાં અનેકવિધ પ્રકારની વાર્તાઓ તૈયાર કરી. સૌથી શ્રેષ્ઠ બે વાર્તાઓને ઉપસ્થિત નિર્ણાયકો નિલમબેન દોશી, જનાર્દન ત્રિવેદી તથા અફઝલ સુબેદારે વિજેતા જાહેર કરી વાર્તાઓની સમીક્ષા પણ કરી. બપોર પછીના સેસનમાં ફિલ્મની સ્ક્રિપ્ટમાં તમામ ઘટનાઓને પ્લોટ પોઈન્ટના આધારે સાયન્ટિફીકલી કયા ક્રમમાં ગોઠવવી જોઈએ તે બાબતે અનેક પ્રેક્ટિકલ ઉદાહરણો આપી શિબિરાર્થીઓને માહિતગાર કરાવાયા. કાર્યક્રમના અંતે સાંજે છ વાગે શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ ભટ્ટ, આશિષભાઈ ગાંધી તેમ જ પ્રોગ્રામ લિડર રમેશકરોલકર ના વરદ હસ્તે સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યાં.







