આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઝડપાયો:અંકલેશ્વર પોલીસે યુવકની ધરપકડ કરી, સમાજના દબાણ બાદ માફી માંગતો વીડિયો કર્યો વાયરલ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. મૂળ અંદાડાના અને હાલમાં હાંસોટ રોડ પર રહેતા પિન્કેશ પટેલે સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજના યુવાનો અને મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને યુવકને જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી હતી. યુવક જાહેરમાં ન આવતા શનિવારે આદિવાસી સમાજે રેલીનું આયોજન કર્યું હતું અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં પિન્કેશ પટેલની ધરપકડ કરી હતી. આરોપીને પોલીસ મથકે લાવતાં જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને ‘જય આદિવાસી’ અને ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ આરોપી પિન્કેશે સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.