કેમિકલ માફિયાઓએ લોકોના જીવ જોખમમાં મૂક્યા:અંકલેશ્વરના બાકરોલ ગામની પાણીની નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવ્યું,માછલીઓના મોત,1 લાખથી વધુ લોકોને અસર



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ઝેરી રાસાયણિક કચરો ઠાલવવામાં આવ્યો છે. આ ઘટનાથી એક લાખથી વધુ રહેવાસીઓના જીવન માટે જોખમ ઊભું થયું છે.
બાકરોલ ગામ નજીક નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે. ઘટનાસ્થળે ટેન્કરના ટાયરના નિશાન મળી આવ્યા છે, જે સૂચવે છે કે કેમિકલ માફિયાઓ દ્વારા આયોજિત રીતે આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે.
તાત્કાલિક પગલાં લેતા, સ્થાનિક તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કેમ કે આ નહેરનું પાણી તળાવ મારફતે શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. ભૂતકાળમાં પણ આ નહેરમાં ગંદકી ફેલાવવાની ઘટનાઓ બની ચૂકી છે. સ્થાનિક લોકોએ આ ગંભીર ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.




