અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર આવી
અમેરિકાથી 112 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતર્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યુ છે. ગેરકાયદે વસાહતીઓને વીણીવીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકાથી 112 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને સૈન્ય વિમાન C-17 એ ગ્લોબમાસ્ટર-3 રવિવારે રાત્રે 10 વાગે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. ત્રીજી ફ્લાઈટમાં હરિયાણાના સૌથી વધુ 44 ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા.
માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઈટમાં 4 અને બીજી ફ્લાઈટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવશે.
અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો ત્રીજો જથ્થો અમૃતસર પહોંચ્યો છે, જેમાં કુલ 112 લોકો છે. વિમાન રવિવારે (16 ફેબ્રુઆરી, 2025) એરપોર્ટ પર ઉતર્યું. અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા 112 લોકોમાં 29 લોકો ગુજરાતના છે. જો કે આ મામલે હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી.
એરપોર્ટની અંદર સૌ પ્રથમ બધાના દસ્તાવેજો તપાસવામાં આવ્યા. આ સાથે એ પણ જોવામાં આવ્યું કે કોઈનો કોઈ ગુનાઈત રેકોર્ડ છે કે નહીં. બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમને તેમના પરિવારને સોંપવામાં આવશે. હવે અમેરિકાથી આજે સવારે ત્રીજું વિમાન 112 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમૃતસર પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પહેલા વિમાનમાં 104 અને બીજા વિમાનમાં 119 ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેમાં અગાઉ ગુજરાતના 37 અને પછી 8 લોકો ભારત આવી પહોંચ્યા હતા.