મહેસાણા જિલ્લામાં ડાયાબિટીશ, હાયપરટેન્શન (બી.પી.) અને ત્રણ કેન્સર (ઓરલ, બ્રેસ્ટ ,સર્વાઇકલ) નું સ્ક્રીનીંગ-નિદાન- સારવાર- ફોલો-અપ નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાશે
આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકોની નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા
આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકોની નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે મહેસાણા જીલ્લામાં કલેકટર એસ.કે.પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસમીન ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દિવ્યેશ પટેલ , અધિક આરોગ્ય અધિકારી ડો.ઘનશ્યામ ગઢવીના આયોજન થકી મહેસાણા જિલ્લામાં પણ ૨૦ મી ફેબ્રુઆરી-૨૦૨૫ થી ૩૧ મી માર્ચ-૨૦૨૫ સુધી ડાયાબિટીશ (સુગર) , હાયપરટેન્શન (બી.પી.) અને ત્રણ કેન્સર (ઓરલ, બ્રેસ્ટ ,સર્વાઇકલ ) ના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બિન-ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે, જેનો લાભ દરેક ૩o થી વધુ ઉંમરના નાગરિકો લઈ શકશે. આ ઝુંબેશ હેઠળ વિના મુલ્યે ડાયાબિટીશ (સુગર) , હાયપરટેન્શન (બી.પી.) ની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન કરવા સહિત દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
આ ઝુંબેશમાં ફેસીલીટી ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી,તાલુકા હેલ્થ સુપરવાઇઝર, મેડીક્લ ઓફીસર, આયુષ મેડીક્લ ઓફીસર પ્રા.આ.કે.સુપરવાઇઝર, કોમ્યુનીટી હેલ્થ ઓફીસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર,ફીમેલ હેલ્થ વર્કર, આશા સહીત નો તમામ આરોગ્ય સ્ટાફ જોડાશે.
ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવશો ?
તમારા નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર ,સબ-સેન્ટર ખાતે નોંધણી કરાવી શકો છો. આશા વર્કર, આરોગ્યકર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે-ઘરે આવી નોંધણી કરશે. આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. ૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બી.પી અને ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જેના માટે સરકારશ્રી દ્વારા દવાઓની સતત ઉપલબ્ધિ માટે નોંધણી કરાવવી જરૂરી છે.




