AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ શહેર અને જિલ્લામાં બોર્ડ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ: ૧.૬૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: આગામી ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડ પરીક્ષાઓ શરૂ થવાની છે, જેને લઈ અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે શહેર અને જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે કુલ ૧,૬૫,૪૫૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ૯૨,૧૯૫ અને ગ્રામ્ય જિલ્લામાં ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. શહેરમાં ધોરણ ૧૦ માટે ૫૪,૬૧૬, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે ૨૯,૭૨૬ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૭,૮૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. બીજી તરફ, ગ્રામ્ય જિલ્લામાં ધોરણ ૧૦માં ૪૬,૦૨૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧,૮૪૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫,૪૦૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે.

સીસીટીવી મોનિટરીંગ અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા
બોર્ડ પરીક્ષાઓ નિર્દોષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. Ahmedabad શહેરમાં ૩૨૨ અને ગ્રામ્ય જિલ્લામાં ૨૪૫ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ કચેરીએ દરેક કેન્દ્ર પર ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ ની નિમણૂક કરી છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લહિયાની સુવિધા
અમદાવાદ શહેરમાં ૧૩૦ અને ગ્રામ્ય જિલ્લામાં ૫૨ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે લહિયાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે, જેથી તેઓ આરામદાયક વાતાવરણમાં પરીક્ષા આપી શકે.

જેલમાં રહેલા ૬૫ કેદીઓ પણ આપશે બોર્ડ પરીક્ષા
સાબરમતી મધ્યસ્થ જેલના ૨૧ કેદીઓ ધોરણ ૧૦ અને ૪૪ કેદીઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગના પ્રયાસોથી જેલમાં રહેલા કેદીઓ તેમના ભવિષ્ય માટે શૈક્ષણિક પ્રગતિ કરી શકે તે માટેની પ્રેરણા મળી રહી છે.

વિદ્યાર્થીઓ માટે મદદ રૂપ હેલ્પલાઈન
અમદાવાદ શહેરના પરીક્ષાર્થીઓ માટે ‘સારથી હેલ્પલાઇન’ વોટ્સએપ નંબર ૯૯૦૯૯૨૨૬૪૮ તથા જિલ્લા કંટ્રોલ નંબર ૦૭૯-૨૭૯૧૨૯૬૬ જાહેર કરવામાં આવ્યો છે.
‘આત્મવિશ્વાસ – પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રશ્નોના ઉકેલ માટે વિષય શિક્ષક અને મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, જેમાં સ્ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, તેમજ ટ્રાફિક વ્યવસ્થાના સંકલનનો સમાવેશ થાય છે. શહેર અને જિલ્લાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિક્ષણ અને પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે.

Back to top button
error: Content is protected !!