GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગાભણ પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ રૂ. ૬૭.૮૧ લાખ કરતા વધુના ખર્ચે ૧,૪૩૨ જેટલા પશુપાલકોને લાભ અપાયો

 

MORBI મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગાભણ પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ રૂ. ૬૭.૮૧ લાખ કરતા વધુના ખર્ચે ૧,૪૩૨ જેટલા પશુપાલકોને લાભ અપાયો પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

 

 

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં ગાય-ભેંસ માટેની ગાભણ પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ કુલ ૧,૪૩૨ જેટલા પશુપાલકોને લાભ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૬૭,૮૧,૬૫૦ ચૂકવવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
જે અંતર્ગત ગાભણ પશુ ખાણદાણ સહાય યોજનામાં સામાન્ય રીતે પુખ્ત પશુના શરીર નિભાવ માટે દરરોજ એક કિલોગ્રામ દાણ અને વધારામાં રોજની લીટર દીઠ દૂધ ઉત્પાદન ક્ષમતાના ૫૦ ટકા લેખે સમતોલ દાણ આપવાની ખાસ જરૂર રહે છે. આ યોજના હેઠળ પશુપાલક લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિ.ગ્રા. ખાણદાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.

પેટાપ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઇ ખેડૂત પોર્ટલમાં અરજદાર પશુપાલકે ઓનલાઇન અરજી કરી પ્રિન્ટ આઉટ મેળવી, સહી કરી, બિડાણમાં સામેલ જરૂરી આધાર પુરાવા સહ અરજીમાં દર્શાવેલ સરનામે રૂબરૂ અથવા ટપાલથી દિન-૭માં રજુ કરવાની રહેશે અથવા ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ પર સહી કરેલ અરજી બિડાણ સહિત અપલોડ કરી શકશે.

અરજી મંજુર કરી ખાણદાણ સહાય આપવાની કાર્યપધ્ધતિ અંગે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, સંબંધિત ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરી હેઠળના જુથ મથકના અધિકારી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ઈનવર્ડ કરેલ અરજીઓની પાત્રતા અને બિનપાત્રતા નિર્ધારીત કરવામાં આવે છે. ત્યારબાદ ભલામણ સહ જે તે જિલ્લાના નાયબ અથવા મદદનીશ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરીને મોકલી આપવામાં આવે છે. જે તે જિલ્લાના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરીના નાયબ અથવા મદદનીશ પશુપાલન નિયામક દ્વારા તાત્કાલિક મંજૂર અને નામંજૂરની કાર્યવાહી કરવામાં આવે છે તથા આઈ ખેડૂત પોર્ટલ પર મંજૂરીનું સ્ટેટસ અપડેટ કરવામાં આવે છે, તેમ પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!