
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી, તા-19 માર્ચ : ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી – ભુજ તથા ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય , ગાંધીનગરના સયુંકત ઉપક્રમે એક દિવસીય રાજભાષા પ્રદર્શન – પરિસવાંદનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમના નિમંત્રક યુનિવર્સિટીના કુલસચિવ તેજલ શેઠ તેમજ પ્રભારી કેતન ઉપાધ્યાય રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રી ધીરેન્દ્ર મહેતા સાહેબ જે સભાના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, ડૉ. દર્શનાબેન ધોળકીયા તેમજ રાપર સરકારી કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ગીગાભાઈ ભમ્મર વક્તા તરીકે રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્દબોધન ડૉ. કાશ્મીરાબેન મહેતાએ કર્યું હતું અને ભાષાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે બધી જ અભિવ્યક્તિ માટે ભાષાનું માધ્યમ જરૂરી છે. વક્તાઓ દ્વારા ભાષાનું વહીવટમાં તેમજ વ્યવહારમાં મહત્વ શું છે તે સમજાવામાં આવ્યું હતું. વક્તાઓમાં પ્રથમ ગીગાભાઈ ભમ્મરે વહીવટી કામકાજમાં ભાષા કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેના વિશે માહિતી આપી, ડૉ. દર્શનાબેન ધોળકિયાએ વ્યવહારમાં ભાષાનો કેમ વિનિયોગ કરવો તેના વિશે સુદામાચરિત્ર જેવા દષ્ટાંતો આપી સમજાવ્યું હતું. શ્રી ધીરેન્દ્ર મહેતા સાહેબે પણ વિવિધ રીતે ભાષાના વિનિયોગની સમજ આપી હતી અને કાર્યક્રમના સત્રાધ્યક્ષીય ઉદ્દબોધનમાં તેમણે બંને વક્તાઓના વકત્વયનો સાર સમજાવી કોઈપણ ભાષા માટે તેના શબ્દકોશનું મહત્વ અદકેરું છે, તેમ જણાવ્યું હતું. કારણ કે, શબ્દના ઉપયોગ દ્વારા જ વ્યક્તિનું મૂલ્ય વ્યવહારમાં વધતું કે ઘટતું હોય છે. વાણીનો પ્રભાવ વ્યક્તિત્વ ઘડતરનું મુલ્યવાન પાસું છે તેમ કહ્યું હતું. તેમણે મૂર્ધાન્ય સાહિત્યકારો જેવા કે ઉમાશંકર જોશી, જયંત પાઠક, રમણ સોની અને રઘુવીર ચૌધરીના ઉદાહરણો આપી પોતાની વાત રજૂ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાષા નિયામક ડૉ. જયેન્દ્રસિંહ જાદવે કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. આભાર વિધિ ડૉ. પંકજ ઠાકરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ચૈતાલી ઠક્કરે કર્યું હતું. કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. કાશ્મીરાબેન મહેતા રહ્યા હતા.






