ભરૂચમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી:13 બુટલેગરના ઘરે પોલીસે DGVCLની સાથે વીજ તપાસ કરી, કુખ્યાત બુટલેગરના ઘરે ગેરરીતિ પકડાઈ


સમીર પટેલ, ભરૂચ
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ 100 કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.યુ.ગડરિયા અને તેમની ટીમે DGVCL સાથે મળીને 13 અસામાજિક તત્વોના ઘરે વીજ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કુખ્યાત બૂટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થના લોઢવાડના ટેકરા પર આવેલા મકાનમાં વીજ ચોરી પકડાઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વીજ મીટર રજનીકાંત ઠાકોરલાલ કાયસ્થના નામે હતું અને તેમાં 9.9નો વધુ વીજ ભાર મળી આવ્યો હતો. મીટરની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમાં ફેઝ-ફેઝ તથા ન્યુટ્રલ-ન્યુટ્રલ લીંક લગાવેલા મળી આવ્યાં હતા. DGVCLના નિયમો મુજબ ચેકિંગ સીટ ભરી વીજ મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેરરીતિ બદલ આશરે રૂપિયા 3.80 લાખનો દંડ થઈ શકે છે.
તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વોમાં હનીફ ઉર્ફે અન્નુ દિવાન, નવાબ ઉર્ફે નબ્બે દિવાન, મેહરૂનિશા દિવાન, મુનાફ સૈયદ, દિનેશ પાટણવાડીયા, જીતેન્દ્ર ખત્રી, જીગ્નેશ રાવળ, પ્રતીક કાયસ્થ, જીગ્નેશ પરીખ, ધવલ માછી અને હસમુખ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
 
				





