Rajkot: અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૨૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો યોજી જનજગૃતિ અભિયાન સઘન બનાવવા જે.સી.પી. શ્રી મહેન્દ્ર બગડિયાની સુચના
Rajkot: રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીશ્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી હતી.
ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હેઠળ શાળા કોલેજ ઉપરાંત ડ્રગ્સ વેચાણ સાથે જોડાયેલા જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં પણ કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો હાથ ધરવા અધિક પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપી હતી. રાજકોટ શહેરમાં ડ્રગ્સ વેચાણ કરતા લોકો પર હાલમાં જ કડક હાથે કામગીરી કરવામાં આવી છે ત્યારે, અન્ય લોકો આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ છોડી દે માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે, તેમ અધિક પોલીસ કમિશનરશ્રીએ દિશાનિર્દેશ કર્યા હતાં.
શ્રી બગડિયાએ યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેંશન પર ભાર મૂકી જનજાગૃતિ અભિયાન અસરકારક રીતે આગળ વધારવા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ કોલેજ અને યુનિવર્સીટીના અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત ડી.સી.પી. ઝોન -૧ શ્રી સજ્જનસિંહ પરમારે ડ્રગ્સની સામાજિક તેમજ આર્થિક દુરોગામી અસરો વિષે જણાવી ખાસ કરીને પેરેન્ટ્સ તેમના બાળકોને આવા દૂષણોથી દૂર રહે તે માટે જાગૃત બનવા અપીલ કરી હતી.
નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી પુરી પાડતા ગત માસમાં એન.ડી.પી. એસ.ના ત્રણ કેસમાં કુલ ૨૧ કિલોગ્રામથી વધુનો ગાંજો પકડી પાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
એસ.ઓ.જી દ્વારા પી.ડી.યુ. કોલેજ સહિત વિવિધ શાળાઓમાં કરવામાં આવેલા સેમિનારની વિગત પુરી પાડી હતી. જનજાગૃતિ અર્થે જાહેર માર્ગો પર એલ.ઈ.ડી. સ્ક્રીન તેમજ થિએટરમાં ફિલ્મ શો પહેલા ‘નો ડ્રગ્સ’ અવેરનેસ કેમ્પઇન ચલાવવામાં આવી રહ્યું હોવાનું ડી.સી.પી.એ જણાવ્યું હતું.
આ અભિયાનમાં લોકો સહભાગી બને તે માટે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા લોકો અંગે પોલીસ વિભાગને જાણ કરવા ખાસ અપીલ કરી હતી.
આ તકે પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, એ.સી.પી. શ્રી ભરત બસિયા, એસ.ઓ.જી., ડી.સી.બી. સહિત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રીહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાયન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.