
પ્રતિનિધિ:બોરસદ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતી એક મહિલાના પતિ દ્વારા ૬ મહિના અને ૨૧ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું હતુ.અકસ્માતના આ કેસને ખુન કેસ ગણીને ગામનાજ શખ્સ દ્વારા મહિલા પાસે પતાવટ માટે ૫૦ હજાર રૂપિયાની માંગણી કરીને ૧૫ હજાર રૂપિયા બળજબરીપુર્વક પડાવી લઈ બાકીના ૩૫ હજાર રૂપિયાની અવાર-નવાર માંગણી કરીને છરી બતાવી ધમકી આપતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરતાં શખ્સ પોલીસના નામે તોડ કરતો હોવાનું ખુલવા પામ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી તેજલબેનના પતિ રાજેશભાઈ રાવજીભાઈ ચાવડા ગત ૭મી સપ્ટેમ્બરના રોજ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે પાપડીનો લોટ વેચવાનો ધંધો કરતા ભયલાલભાઈ ઉર્ફે ભલો ઈશ્વરભાઈ ગોહેલને ટક્કર વાગતા તેમનું મોત થયું હતુ.આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો અને રાજેશભાઈ ચાવડાની ધરપકડ કરી હતી. જો કે ગામના જ વિઠ્ઠલભાઈ ઉર્ફે વીસી ઉર્ફે ઓઢણી ચંદુભાઈ ગોહેલ દ્વારા અકસ્માતના કેસને ખુન કેસ ગણીને પોલીસમાં સારી એવી ઓળખાણ છે તેમ જણાવીને પતાવટ માટે ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે ૪૦ હજાર રૂપિયામાં નક્કી થયું હતુ. તેજલબેન પાસે પૈસાની સગવડ ના હોય આખરે ગીરો આપેલી જમીન અન્યને વધુ કિંમતે ગીરો આપીને તેમની પાસેથી પૈસા લઈને ૧૫ હજાર રૂા. વિઠ્ઠલભાઈ ઉર્ફે વીસીને આપ્યા હતા.ત્યારબાદ બીજા ૩૫ હજાર રૂપિયા માટે અવાર-નવાર ઉઘરાણી કરતો હતો.દરમ્યાન ગત ૨૪મી સપ્ટેમ્બરના રોજ વિઠ્ઠલભાઈએ તેજલબેનને છરી બતાવીને બાકીના ૩૫ હજાર રૂપિયાની માંગણી કરીને જો પૈસા નહીં આપે તો સમાધાન નહીં કરાવું તેમ જણાવીને આપેલા ૧૫ હજાર રૂપિયા ભુલી જવાનું કહ્યું હતુ.ગભરાઈ ગયેલી તેજલબેને તપાસ કરતા વિઠ્ઠલભાઈ ઉર્ફે વીસીએ અગાઉ પણ બે મહિલાઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી બોરસદ શહેર પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
વિઠ્ઠલ ઉર્ફે ઓઢણી પોલીસનો બાતમીદાર હતો:સૂત્રો
સૂત્રોની જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના દાવોલ ગામે ચાલતા જુગાર અને દેશી વિદેશી દારૂના અડ્ડા ઉપર પહોંચીને વિઠ્ઠલ ઉર્ફે ઓઢણી ગોહેલ પોલીસના નામે તોડપાણી કરતો હતો તેમજ પોલીસને કેટલીક માહિતીઓ આપતો હોઈ પોલીસ પણ તેને સાથે રાખતી હતી. જેથી વિઠ્ઠલ પોલીસનો માણસ હોવાનું સમગ્ર ગામમાં સ્થાપિત થઇ ગયું હતું. જેનો ફાયદો ઉઠાવીને રાત્રીના સુમારે દાવોલ પાસેના હાઇવે પર પણ વાહનચાલકો સાથે દાદાગીરીને પૈસા પડાવતો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.જો કે વિઠ્ઠલ કેટલાક પોલીસ કમીઓ માટે પૈસા ઉઘરાવતો હતો. પરંતુ જેટલા ઉઘરાવતો હતો તેના કરતા ઓછા પોલીસને આપતો હોવાની જાણ પોલીસને થઇ ગઈ હતી જેને લઇ વિઠ્ઠલનો દાવ પોલીસે જ કરી દીધો હોવાની ચર્ચા/ઓ સાંભળવા મળી રહી છે.




