રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલોલ દ્વારા હનુમાન પ્રાગટય દિને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

તારીખ ૧૩/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ચૈત્ર પૂનમ એટલે મહાવીર, મહાબલી, રામભક્ત અને મહાદેવના અંશ હનુમાનજીનો પ્રાગટય દિન. કળીયુગમાં સદા ભક્તોના સંકટ હર્તા અને કષ્ટોનું ભંજન કરનાર શ્રી હનુમાનજીમાં કરોડો લોકોને આસ્થા અને વિશ્વાસ છે ત્યારે આજે હનુમાન જયંતિના સ્વર્ણિમ અને શુભ દિવસે કાલોલ નગરમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં સ્થિત શ્રી નિધિપતિ હનુમાનજી મંદિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલોલ દ્વારા મહાપુજા અને હનુમાન યાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનો મૂળ ઉદ્દેશ્ય કાલોલ નગરની સુખાકારી વધે તથા કાલોલ નગરની પ્રગતિ થાય, કાલોલની જનતા શક્તિ, સામર્થ્ય, સંસ્કાર, લક્ષ્મી, વિવેક, નીડર, આરોગ્યથી યુક્ત બને. સનાતન હિન્દૂ સંસ્કૃતિની ધર્મ ધજા સદા લહેરાતી રહે અને રાષ્ટ્ર અને ધર્મ વિરોધી શક્તિઓનો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. આ યજ્ઞમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તેમનો પરિવાર અને કાલોલની ધર્મપ્રેમી જનતા ઉત્સાહ સાથે જોડાઈ હતી. પરિવાર સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આખું વાતાવરણ વૈદિક મંત્રોચ્ચારથી પવિત્ર બન્યું અને સદા સનાતન ધર્મની જય હો સાથે યજ્ઞ સંપન્ન થયો.






