
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-17 એપ્રિલ : રકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણમાં CET પરીક્ષા અમલમાં મૂકવામાં આવી છે એના માળખાનું અંતિમ સ્વરૂપ ખરેખર સરકારી શાળાઓને બંધ કરવા તરફનું હોય એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યા હોવાનો સૂર કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે વ્યક્ત કર્યો છે. પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા ગોયલ, હરદેવસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ આ બાબતે રાજ્યસંઘને પત્ર લખી સરકારની નીતિ સામે સવાલો કર્યા છે. પત્રમાં જણાવ્યા મુજબ જે વિરોધાભાસી મુદ્દાઓ છે તેમાં ખાસ કરીને
સરકારી શાળામાં ભણતા ધોરણ – ૫ ના વિદ્યાર્થી આ CET પરીક્ષા આપે છે અને પાસ થાય ત્યારબાદ તેઓના ખાનગી શાળામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થાય છે.
જ્યાં સરકારી શાળાના શિક્ષકો જેટલો ક્વોલિફાઇડ સ્ટાફ, ભૌતિક સુવિધાઓ વગેરે ના હોવા છતાં સરકારી શાળાના હૃદય સમાન હોશિયાર બાળકોને તેમાં પ્રવેશ આપવામાં આવે છે. આ યોજનાથી સીધી જ રીતે શાળાની સંખ્યામાં તો અસર કરશે પણ તેનાથી શાળાનું પરિણામ, શરૂઆતમાં સારું લાગશે પણ પાંચ વર્ષમાં શાળાની ઈમેજ(ખાસ કરીને ઉચ્ચતર પ્રાથમિક)પણ બગાડવા લાગશે. જેમ કે, કોઈ શાળામાં 6 થી 8 માં 60 ની સંખ્યા હોય તો અને દર વર્ષે 5-6 ગણીએ તો ત્રણ વર્ષની અંદર 15-20 હોશિયાર બાળકો ખાનગીમાં જવાથી
શાળામાં સંખ્યા ઘટશે એટલે આજે નહિ તો કાલે ઓછી સંખ્યાના નામે ક્રમિક મર્જ કરવામાં આવશે.
હોશિયાર બાળકોને તો ખાનગી વાળા લઇ જશે પછી ગુણોત્સવ થી લઇ બધી જ બાબતોમાં એવું બતાવવામાં આવશે કે સરકારી શાળાનું પરિણામ નબળું છે.અને શાળાની ઇમેજ પણ બગડશે. ઉપરાંત 6 થી 8 માં 100 થી ઉપરની સંખ્યા વાળી શાળાઓ છે એ મહેકમ મુજબ ક્રમશ શિક્ષકોનો ભોગ લેશે.ધોરણ 6 થી 8 ના હોશિયાર બાળકો જ્ઞાનસેતુમાં જતા રહેવાથી શિક્ષક માટે વર્ગ કાર્ય કરવા માટે ખૂબ કઠિન પરિસ્થિતિ નિર્માણ થાય છે જ્ઞાનસેતુ રેસીડેન્સીયલ ડે અને રક્ષા શક્તિમાં હોશિયાર બાળકોને લઈ જતા હોવાથી ગણિત,વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોમાં શિક્ષકને ખૂબ જ પડકાર જનક કાર્ય કરવાની પરિસ્થિતિ નિર્માણ પામે છે.
એક તો સરકાર પોતે જ RTE માં 25% બાળકોને સરકારીમાંથી ખાનગીમાં શરૂઆતમાં જ મોકલી દે છે ને ફરી બીજા તબક્કાના હોશિયાર બાળકો. આ ઉપરાંત ત્યારે વસ્તી નિયંત્રણમાં સરકાર દ્વારા જ આયોજન ચલાવવામાં આવે છે તો વસ્તી વૃદ્ધિ દર અને ગામડાઓમાંથી શહેર તરફનું સ્થળાંતર જોતા શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો પણ ઘટાડવો જોઈએ. જે ઘટેલો નથી આથી પણ શિક્ષકોના ઓવર સેટઅપનું પ્રમાણ વધી રહ્યું છે.આ યોજનાથી ગુજરાતના નાગરિકોના કરોડો રૂપિયા સરકાર દ્વારા પ્રાઇવેટ શાળાઓને અપાતા હોવાથી મોટાપાયે ભ્રષ્ટાચાર થવાની સંભાવના રહે છે.અત્યારે સરકારી શિક્ષક બનવા નિયત કોર્ષ ઉપરાંતTET , TAT વગેરે પરીક્ષાઓ પાસ કરવી પડે છે જેમાં લાખો પરીક્ષકો સાથે સ્પર્ધા હોય છે અને એ પછી મેરીટમાં આવે એમની ભરતી થાય છે તો આટલા ક્વોલિફાઇડ શિક્ષકોને હોશિયાર બાળકો આપવામાં આવે તો ગુજરાતનું શિક્ષણ સો ટકા નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. પરંતુ આ હોશિયાર બાળકોને એની ક્વોલિટી પ્રમાણે શિક્ષક નહીં મળે એટલે અંતે પરિણામ શું આવશે એ બધા જાણે જ છે. (જેમ સામાન્ય ગાડી પણ સારા ડ્રાઇવરને આપો તો મંઝિલ સુધી પહોંચાડી દેશે પણ, કરોડો રૂપિયાની ગાડી જેને ડ્રાઇવિંગ જ નથી આવડતું કે ડ્રાઇવિંગ નો કોર્સ કરેલ નથી તેમને આપવાથી અંતે પરિણામ શું આવશે..?)
માત્ર આ પૈકી એક જ મુદ્દો મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના આ એક જ લાગુ કરી શકાય અને વાલીને આર્થિક મદદરૂપ થઈ શકે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આ રકમનો સદુપયોગ કરી શકાય. ઉપરાંત જે રીતે સરકાર અન્ય પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપી રેસીડેન્સીયલ, ડે-શાળાઓ વગેરેને મંજૂરી આપે છે તેના કરતાં સરકાર પોતાની પાસે રહેલી હજારો શાળાઓને અત્યારે છે એના કરતાં પણ અત્યાધુનિક બનાવીને પોતાનું વિઝન પૂરું કરી શકે છે તેવો સૂર જિલ્લા સંઘના આગેવાનોએ વ્યક્ત કર્યો છે.





