ભરૂચ રેલવે સ્ટેશન પરથી દારૂની હેરાફેરી ઝડપાઈ:બે મોપેડ પર 324 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો, ત્રણ ફરાર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. એ-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.યુ.ગડરિયા અને પો.સ.ઇ. એ.વી.શિયાળીયાની ટીમે રેલવે સ્ટેશન સર્કલ નજીકથી બે મોપેડ પર દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઘેરી લીધા હતા. આ દરમિયાન એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જ્યારે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન બંને મોપેડમાંથી કુલ 324 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. 34,400 આંકવામાં આવી છે. પોલીસે એક મોબાઈલ ફોન કિંમત રૂ. 25,000 અને બે મોપેડ સહિત કુલ રૂ. 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.