GUJARAT

નસવાડીના છેવટ અને બોરીયાદ ગામે રૂ.૧૧.૩૯ કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમારના વરદહસ્તે લોકાર્પણ

મૂકેશ પરમાર,, નસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે રૂ. ૧૧.૩૯ કરોડના ખર્ચે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરીયાદ છેવટ રોડ અને અશ્વિની રિવર અને કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરીયાદ છેવટ રોડ બ્રિજનું છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બન્ને બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા આસપાસના ગામોના લોકોને લાભ થશે. આ પ્રસંગે સ્થાનિક પરંપરા મુજબ ગામજનોએ પ્રભારીમંત્રી અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું . આ પ્રસંગે પ્રભારીમંત્રી એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા બાદ અંબાજીથી ઉમરગામના સ્થાનિકોને માળખાકિય સુવિધાઓ મળે અને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કાર્ય કર્યુ. વધુમાં તેમણે ધારાસભ્ય અભેસિંહ તડવીની વિશે વાત કરતા જણાવ્યું કે, તેમની જાગૃતતાને કારણે બે પુલો સાથે અન્ય ઘણા કામો વિસ્તારમાં થઈ રહ્યા છે. ૪૫૦થી ૫૦૦ની વસ્તીમાં ૧૧ કરોડથી વધુની રકમના ૨ બ્રિજ બન્યા છે.   બ્રિજ બનાવવાથી નસવાડી તાલુકાનાં આંતરિયાળ ડુંગર વિસ્તારના ગામો જેવા કે લાવાકોઇ, દામણીઆંબા, કેવડી, ફુલવાડી, દુગ્ધા, ધારસિમેલ, તલાવ, કુમેઠા, કાંટીયાબાર, રાધનાપાણી, સરિયાપાણી, વિયાવાંટ, રતનપુર (ક), કપરાલી તથા અન્ય ગ્રામજનોને તાલુકા મથક નસવાડી તથા બોરીયાદ જવા માટે ટુંકા અંતરવાળા રસ્તાનો લાભ મળેલ છે. જેનાથી ૨૦ કિમીનુ અંતર ઘટી જાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!