
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.20 : ચાર દિવસ પહેલા મુન્દ્રાથી ગુંદાલા થઈ રતાડીયા પરત આવી રહેલા મૂળ લખપત તાલુકાના ભાદરા ગામના વતની અને રતાડીયાના કારાભાઇ હભીભાઈના જમાઈ આશાસ્પદ યુવાન દેવરા વંકા રબારી રાત્રીના સમયે અર્થોપાજન અર્થે મુન્દ્રાથી પોતાના ઘેર બાઈકથી પરત ફરી રહ્યા હતા ત્યારે રતાડીયાની નદી પહેલા રોડ પર પડેલા મોટા ખાડામાં પડી જવાથી મોતને ભેટતા બે સંતાનો અને પત્નીને વિલાપ કરતા મૂકી ગયા છે.
ગાંધીના ગુજરાતમાને મોદીની છત્રછાયામાં માલેતુજાર ઉદ્યોગપતિઓને પ્રાઇવેટ રેલ્વે કે એરપોર્ટ જેવી સુવિધાઓ આપવાની સાથે અમીરોના ઉપયોગમાં લેવાતા રોડનું સમારકામ પણ કરોડોમાં કરી આપવામાં આવે છે ત્યારે ગ્રામ્યકક્ષાના રોડ અને રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ સેવવાથી હસતા ખેલતા મધ્યમ પરિવારનો માળો માનવસર્જિત વિલંબથી એકા એક વિખરાઈ જાય ત્યારે સગા-સંબંધીઓ, સહ કર્મચારીઓ તથા સમાજના લોકોનું કાળજાળ ગરમીમાં લોહી ઉકળી ઊઠે એ સ્વભાવિક છે. પરંતુ એ.સી. (વાતાનુકુલિત) રૂમમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું હોય એવું લાગતું નથી.
ગુંદાલાથી રતાડીયા સુધીના ચાર કિલોમીટર જેટલા રસ્તામાં આઠ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે જેની મરમ્મત માટે ગામ લોકોએ છેલ્લા આઠ માસથી બહેરા તંત્રના કાને રજૂઆત કરી રહ્યા છે પરંતુ જાણે કે આ રસ્તો હજુ વધુ એક માનવ જિંદગીનો ભોગ લેવાની રાહ જોઈ રહ્યો હોય એવું લાગે છે ત્યારે ગૌરવવંતા ગુજરાતના ખમીરઘર કચ્છના લોકોએ જાગૃત થવાની જરૂર હોય એવું નથી લાગતું?
ગુજરાત પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચનની જાહેરાત “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” થી એકર્ષાઈને દુનિયાભરના હજારો પ્રવાસીઓ કચ્છ અને કચ્છનું રણ જોવા આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓની મહેમાનગતિ માણવા કચ્છમાં જ કચ્છીઓનું અસ્તિત્વ નહીં રહે એ દિવસો હવે દૂર નથી એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આઠ દિવસ પહેલા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડીયામાં આઉટસોર્સ તરીકે હંગામી ધોરણે ફરજ બજાવતા વોર્ડઆયાએ ગુંદાલાથી રતાડીયા વચ્ચે જર્જરીત બની ગયેલા રોડને કારણે દવાખાનામાં આવતા દર્દીઓની સંખ્યા ઓછી થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે એના પર આવી પડેલી અણધારી મુશ્કેલ ઘડીમાં સરકાર દ્વારા એમના પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે અને ખાસ કિસ્સા તરીકે રતાડીયા આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી વર્ગ ચારની જગ્યા પર કાયમી ધોરણે નિમણુંક આપવામાં આવે એવી માંગ રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પી. ઠક્કરે એક યાદીમાં કરી હતી.



