સાવરકુંડલામાં વરીયાળી શરબત કેન્દ્રનો પ્રારંભ

*સાવરકુંડલામાં ઉનાળાની ગરમીમાં રાહત આપવા ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ*
સાવરકુંડલા: તારીખ શ૩૦/૦૪/૨૦૨૫, બુધવારના રોજ, સાવરકુંડલાના નગરજનોને ઉનાળાની આકરી ગરમીથી રાહત અને શીતળતા પ્રદાન કરવાના શુભ આશયથી, શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે, સવારે ૯:૦૦ કલાકે સંપૂર્ણ આયુર્વેદિક અને વિનામૂલ્યે વરિયાળી શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગની ગરિમા વધારવા માટે આશીર્વાદ ભક્તિ બાપુ માનવ મંદિરના ઉદ્ઘાટક અને સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના વરદ હસ્તે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. સાવરકુંડલા નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને આ સેવા કાર્યને ઉમદા ભાવનાથી બિરદાવ્યું હતું. આ ઉપરાંત, સાવરકુંડલા શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓએ પણ આ પ્રસંગે હાજરી આપીને આ માનવતાના કાર્યને પોતાનું પ્રોત્સાહન અને સમર્થન આપ્યું હતું.
આ સેવા કાર્યના નિષ્ઠાવાન નિયામક શ્રી પરાગભાઈ ત્રિવેદી અને સમર્પિત સંચાલક શ્રી કાર્તિકભાઈ મહેતા તેમજ શ્રી સતીશભાઈ પાંડેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઉનાળાની અસહ્ય ગરમીમાં પરેશાન થઈ રહેલા લોકોને ઠંડક અને તાજગીનો અનુભવ કરાવવાના ઉમદા હેતુથી આ વિનામૂલ્યે વરિયાળી શરબત કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વરિયાળીનું આ શરબત સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયી છે. આ સેવા યજ્ઞમાં અનેક સેવાભાવી વ્યક્તિઓ પોતાનું સેવા આપી રહ્યા છે, જેમાં મુખ્યત્વે શ્રી કાર્તિકભાઈ મહેતા, શ્રી સતીશભાઈ પાંડે, શ્રી સંજયભાઈ સોલંકી અને શ્રી વિક્રમભાઈ જીતુભાઈનો સમાવેશ થાય છે, જેઓ નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટે સાવરકુંડલાના તમામ નાગરિકોને પરાગભાઈ ત્રિવેદી દ્વારા આ સેવાકાર્યનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ માનવતાના કાર્યમાં સહભાગી બનીને ઉમદા ભાવના દર્શાવવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. આ એક એવું સેવા કાર્ય છે જે ગરમીમાં રાહતની સાથે સાથે માનવતાના મૂલ્યોને પણ ઉજાગર કરે છે.




