GUJARATKHERGAMNAVSARI

ખેરગામની કન્યા અને કુમાર શાળામાં અઢળક ખર્ચ છતાં ટકાઉ બાંધકામનો અભાવ ફરી સમારકામ હેઠળ.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ: ખેરગામની સદી જૂની રતનબાઇ કન્યાશાળા અને કુમાર શાળામાં હાલમાં પુરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ સ્થાનિકોમાં આ કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે—વિશેષ કરીને બિનજરૂરી ખર્ચ અને અસંગત ડિઝાઇનને લઈને. અંદાજે એક દાયકાં પહેલાં રાજ્યના બાંધકામ મંત્રી આનંદીબેન પટેલના સમયમાં શાળામાં પ્રી-ફેબ્રિકેટેડ રૂમો બનાવવામાં આવ્યા હતા, જે થોડીવારમાં જ અસ્તિત્વહીન બની ગયા. ત્યારબાદ સિન્ટેક્સના રૂમો પણ ઊભા થયા, પણ એનું આયુષ્ય પણ સાતેક વર્ષથી વધારે ન હતું. હાલ જે સમારકામ થઈ રહ્યું છે, તે અગાઉના માળખાં જેવાં જ ટકાઉ ન હોવાના ભય વચ્ચે થઈ રહ્યું છે. રતનબાઇ કન્યાશાળામાં છેલ્લા થોડા વર્ષોથી ધાબાંમાંથી સતત પાણી વહી રહ્યું છે, દિવાલો ભીની રહી રહીને વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું વાતાવરણ અસહ્ય બની ગયું છે. આમ જ સ્થિતિ કુમાર શાળાની પણ છે, જ્યાં દસેક વર્ષ જૂનું મકાન સમય પહેલા જ જર્જરિત બન્યું છે.શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પ બનાવવા સરકારના નિર્દેશો મુજબ કામગીરી થઇ રહી છે, પરંતુ તેની ઊંચાઈ અને ડિઝાઇન પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખેરગામમાં માત્ર ચારથી પાંચ વિકલાંગ વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે, જેમણે વ્હીલચેરનો ઉપયોગ પણ નથી કરતા. છતાં પણ એક મીટર કરતાં વધુ ઊંચી, નવ ઈંચ જાડી દિવાલ સાથે રેમ્પ ઊભી કરવામાં આવી છે, જે શાળાની દ્રશ્યશોભાને ખલેલ પહોંચાડી રહી છે.સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે રેલિંગ જેવા સરળ અને શોભાદાર વિકલ્પો હોવા છતાં બાંધકામ તંત્રએ અઘરી અને અનાવશ્યક ડિઝાઇન કેમ અપનાવી? લોકોમાં આ ખર્ચ ભ્રષ્ટાચારના ખોરાક બની રહ્યો હોવાની શંકા પણ ઉઠી છે.સરકારી તંત્રએ ભવિષ્યદ્રષ્ટિ યોજના સાથે ટકાઉ બાંધકામ અને તર્કસંગત ખર્ચનો અભિગમ અપનાવવો જરૂરી છે, નહિંતર વારંવારના સમારકામોમાં લોકોના નાણાંની બરબાદી થતી રહેશે.

Back to top button
error: Content is protected !!