Rajkot: પતિના ત્રાસમાંથી પીડિતાને ઉગારી સુખદ સમાધાન કરાવતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન

તા.૧૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષાના અભય વચન માટે હરહંમેશ કટિબદ્ધ છે, તે હેતુસર ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સુવિધા કાર્યરત છે. જેની મદદથી અત્યાર સુધીમાં લાખો મહિલાઓના જીવન સરળ બન્યા છે. આવા જ એક કિસ્સામાં રાજકોટની પીડિતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અને ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર શ્રી સુમિતાબેન પરમાર, કોન્સ્ટેબલ શ્રી શિલ્પાબેન ચાવડા અને ડ્રાઇવર શ્રી વિપુલભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, મહિલાના લગ્નને પાંચ વર્ષ થયા છે અને તેણીને બે બાળકો છે. થોડા સમય પહેલાં જ પીડિતાના પતિના ફૈબાના દીકરાનું અવસાન થયું હતું. જે પરિણીત અને એક બાળકના પિતા હતા અને તેમના પત્ની વિધવા થતાં પીડિતાના પતિએ પોતાના ઘરે રહેવા જણાવ્યું હતું. ત્યારે વિધવા મહિલા પીડિતાના ઘરે રહેવા આવી હતી. ધીરે ધીરે પીડિતાનો પતિ અવસાન પામેલ ભાઈના પત્નીને વધુ મહત્વ આપવા લાગ્યો અને પોતાની પત્નીને વિધવા મહિલાના સહકારથી માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવા માંડ્યો હતો. જીવન નિર્વાહ માટે પીડિતાનો પતિ ઘર ખર્ચ માટેના પૈસા ન આપવા ઉપરાંત ભાભી સાથેના અનૈતિક સંબંધોના લીધે તે મહિલાને ત્રાસ આપી ઘર છોડવા દબાણ કરતો હતો.
અભયમ ટીમના કાઉન્સેલિંગ દરમ્યાન પીડિતાના પતિ અને ભાભી પણ ત્યાં જ ઉપસ્થિત હતા. અને ૧૮૧ અભયમ ટીમે પીડિતા પતિ અને તેમના ભાભીનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું, જેમાં ટીમે તેમના પરિવારના બાળકો, વડીલો અને પોતના ભવિષ્ય વિશે ગંભીરતાપૂર્વક વિચારવા અને કાયદાકીય સલાહ, સૂચન, ઘરેલુ હિંસા વિરુધ્ધની જોગવાઈ અંગે સવિસ્તાર તેઓને માહિતી આપતાં પીડિતાના પતિએ પોતે કરેલી ભૂલની માફી માંગી હતી. અને પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું યું હતું. વિધવા ભાભી તેમના ભાઈના ઘરે જતા રહ્યા હતા. આમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને પરિવારને તૂટતો બચાવ્યો હતો.




